આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજો દાદા અબદુલ્લાન મિત્ર તરીકે મિ. એસ્કંબને. આ તારનો જવાબ ફરી વળ્યો કે બિલની ચર્ચા બે દિવસ મુલતવી રહેશે. સહુ રાજી થયા.

અરજી ઘડાઈ. તેની ત્રણ નકલ મોકલવાની હતી. પ્રેસને સારુ પણ નકલ તૈયાર કરવાની હતી. અરજીમાં બની શકે તેટલી સહીઓ લેવાની હતી. આ કામ બધું એક રાતમાં પૂરું કરવાનું હતું. પેલા શિક્ષિત સ્વયંસેવકો અને બીજા લગભગ આખી રાત જાગ્યા. સારા અક્ષર લખનાર તેમાંના એક મિ. આર્થર બુઢ્ઢા હતા. તેમણે સુંદર અક્ષરે અરજીની નકલ કરી. બીજાઓએ તેની બીજી નકલ કરી. એક બોલે ને પાંચ લખતા જાય. એમ પાંચ નકલ એકસાથે થઈ. વેપારી સ્વયંસેવકો પોતપોતાની ગાડીઓ લઈ કે પોતાને ખર્ચે ગાડીઓ ભાડે કરી સહીઓ લેવા નીકળી પડ્યા.

અરજી ગઈ. છાપામાં છપાઈ. તેને વિષે અનુકૂળ ટીકાઓ થઈ. ધારાસભા ઉપર પણ અસર થઈ. તેની ચર્ચા પણ ખૂબ થઈ. અરજીમાં આપેલી દલીલના રદિયા અપાયા, પણ તે આપનારને લૂલા લાગ્યા. બિલ તો પાસ થયું.

આ પરિણામ આવશે એમ સહુ જાણતા હતા. પણ કોમમાં નવજીવન રેડાયું. એક કોમ છીએ, માત્ર વેપારી હકોને જ સારુ નહીં પણ કોમી હકોને સારુ પણ લડવાનો સહુનો ધર્મ છે, એમ સહુ સમજ્યા.

એ સમયે લૉર્ડ રિપન સંસ્થાનોના પ્રધાન હતા. તેમને એક જંગી અરજી કરવાનો ઠરાવ કર્યો. આ અરજીમાં જેટલાની બને તેટલાની સહીઓ લેવાની હતી. એ કામ એક દહાડામાં ન જ થાય. સ્વયંસેવકો નિમાયા ને કામ ઉકેલવાનું સહુએ હાથ લીધું.

અરજીની પાછળ મેં બહુ મહેનત લીધી. મારે હાથ આવ્યું તે બધું સાહિત્ય વાંચી લીધું. હિંદુસ્તાનમાં આપણે એક પ્રકારનો મતાધિકાર ભોગવીયે છીએ એ સિદ્ધાંતની દલીલને અને હિંદીઓની વસ્તી જૂજ છે એ વ્યવહારીક દલીલને, મેં મધ્યબિંદુ બનાવ્યું.

અરજીમાં દશ હજાર સહીઓ થઈ. એક પખવાડીયામાં અરજી મોકલવા જોગી સહીઓ મળી રહી. આટલા સમયમાં નાતાલમાં દશ હજાર સહીઓ લેવી એને વાંચનાર નાનનીસૂની વાત ન સમજે. સહીઓ આખા નાતાલમાંથી લેવાની હતી. માણસો આવા કામથી અજાણ્યા હતા.