આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગરજ સારી. ઘણાંખરાં છાપાંઓએ મારી સામેના વિરોધને વખોડ્યો ને વકીલો ઉપર ઈર્ષાનો આરોપ મૂક્યો. આ જાહેરાતથી મારું કામ કેટલેક અંશે સરળ થયું.


૧૯. નાતાલ ઇંડિયન કૉંગ્રેસ

વકીલનો ધંધો કરવો એ મારે સારુ ગૌણ વસ્તુ હતી ને હમેશાં ગૌણ જ રહી. મારું નાતાલમાં રહેવું સાર્થક કરવા સારુ તો મારે જાહેર કામમાં તન્મય થવું જોઈએ. હિંદી મતાધિકાર પ્રતિબંધના કાયદાની સામે માત્ર અરજી કરીને તો ન જ બેસી રહેવાય. તે વિશે પ્રવૃત્તિ ચાલુ રહે તો જ સંસ્થાનોના પ્રધાન પર અસર પડે. આને સારુ એક સંસ્થાની સ્થાપના કરવાની આવશ્યકતા જણાઈ. તેથી અબદુલ્લા શેઠ સાથે મસલત કરી. બીજા સાથીઓને મળ્યો ને એક જાહેર સંસ્થા બનાવવાનો અમે નિશ્ચય કર્યો.

તેનું નામ પાડવામાં કંઈ ધર્મસંકટ હતું. આ સંસ્થાને કોઈ પક્ષનો પક્ષપાત નહોતો કરવો. મહાસભા (કૉંગ્રેસ)નું નામ કૉન્ઝરવેટિવ (પ્રાચીન) પક્ષમાં અળખામણું હતું, એ હું જાણતો હતો. પણ મહાસભા હિંદનો પ્રાણ હતી. તેની શક્તિ વધવી જ જોઈએ. તે નામ છુપાવવામાં અથવા ધારણ કરતાં સંકોચ રાખવામાં નામર્દીની ગંધ આવતી હતી. તેથી મારી દલીલો રજુ કરીને સંસ્થાને 'કૉંગ્રેસ' નામ જ આપવા સૂચવ્યું, ને ૧૮૯૪ના મે માસની ૨૨મી તારીખે 'નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ'નો જન્મ થયો.

દાદા અબદુલ્લાનો મેડો ભરાઇ ગયો હતો. લોકોએ આ સંસ્થાને ઉત્સાહપૂર્વક વધાવી લીધી. બંધારણ સાદું રાખ્યું હતું. લવાજમ આકરું હતું. દર માસે ઓછામાં ઓછા પાંચ શિલિંગ આપે તે જ સભ્ય થઈ શકે. વધારેમાં વધારે જેટલું ધનિક વેપારી પાસેથી તેમને રીઝવીને લઈ શકાય તે લેવું. અબદુલ્લા શેઠની પાસે દર માસે બે પાઉન્ડ લખાવ્યા. બીજા પણ બે ગૃહસ્થોના તેટલા લખાવ્યા. મેં પોતે વિચાર્યું કે મારાથી સંકોચ કરાય જ નહીં. તેથી મેં દર માસનો એક પાઉન્ડ લખાવ્યો. આ જરા મારે વીમો કરવા જેવું હતું. પણ મેં વિચાર્યું કે જો મારું ખર્ચ ચાલવાનું જ હશે તો મને દર માસે એક પાઉન્ડ વધારે નહીં પડે. ઈશ્વરે