આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમને સમજાવ્યા.આખી રાત રકઝકમાં ગઈ. ક્રોધ તો ઘણા સાથીઓને ચડ્યો. પણ કોઈએ વિનય ન છોડ્યો. છેક સવારે આ ભાઈ પીગળ્યા ને છ પાઉન્ડ આપ્યા. અમને જમાડ્યા. આ બનાવ ટોંગાટમાં બનેલો. આની અસર ઉત્તર કિનારા પર છેક સ્ટેંગર સુધી ને અંદર છેક ચાર્લ્સટાઉન સુધી પડી. ઉઘરાણાનું અમારું કામ સરળ થઈ પડ્યું.

પણ પૈસા એકઠા કરવા એ મતલબ તો ન જ હતી. જોઈએ તે કરતાં વધારે પૈસા ન રાખવા એ તત્ત્વ પણ હું સમજી ગયો હતો.

સભા દર અઠવાડિયે કે દર માસે જરૂર પ્રમાણે થાય. તેમાં આગલી સભાનો હેવાલ વંચાય ને અનેક પ્રકારની ચર્ચા થાય. ચર્ચા કરવાની અને ટૂંકું ને મુદ્દાસર બોલવાની ટેવ તો લોકોને ન જ હતી. લોકો ઊભા થઈને બોલતાં સંકોચાય. સભાના નિયમો સમજાવ્યા ને લોકોએ તેને માન આપ્યું. તેમને થતો ફાયદો તેઓ જોઈ શક્યા ને જેઓને કદી જાહેરમાં બોલવાની ટેવ નહોતી તે જાહેર કામો વિશે બોલતા ને વિચાર કરતા થયા.

જાહેર કામ ચલાવતાં ઝીણો ખર્ચ ઘણા પૈસા લઈ જાય છે એ પણ હું જાણતો હતો. આરંભમાં તો રસીદ બુક સુધ્ધાં ન છપાવવાનો નિશ્ચય મેં રાખ્યો હતો. મારી ઓફિસમાં સાઇક્લોસ્ટાઇલ રાખ્યું હતું. તેમાં પહોંચો છપાવી. રિપોર્ટ પણ તેવી જરીતે છપાવતો. જ્યારે તિજોરીમાં પૈસો ઠીક આવ્યો, સભ્યો વધ્યા, કામ વધ્યું ત્યારે જ પહોંચ ઇત્યાદિ છપાવવાનું રાખ્યું. આવી કરકસર દરેક સંસ્થામાં આવશ્યક છે, છતાં એ હમેશાં નથી જળવાતી એમ હું જાણું છું. તેથી આ નાનકડી ઊગતી સંસ્થાના ઉછેરકાળની વિગતમાં ઊતરવું મેં દુરસ્ત ધાર્યું છે. લોકો પહોંચની દરકાર ન રાખતા, છતાં તેમને આગ્રહપૂર્વક પહોંચ અપાતી. આથી હિસાબ પ્રથમથી જ પાઈએ પાઈનો ચોખ્ખો રહ્યો, ને હું માનું છું કે, આજે પણ નાતાલ કૉંગ્રેસના દફતરમાં ૧૮૯૪ના સંપૂર્ણ વિગતવાળા ચોપડા મળી આવવા જોઈએ. હરકોઈ સંસ્થાનો ઝીણવટથી રખાયેલો હિસાબ તેનું નાક છે. તેના વિના તે સંસ્થા છેવટે ગંદી ને પ્રતિષ્ઠારહિત થઈ જાય છે. શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસંભવિત છે.

કૉંગ્રેસનું બીજું અંગ સંસ્થાનમાં જન્મેલ ભણેલા હિંદીઓની સેવા કરવાનું હતું. તેને અંગે 'કૉલોનિયલ બોર્ન ઇન્ડિયન એજ્યુકેશનલ