આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૨. ધર્મનિરીક્ષણ

આમ જો હું કોમી સેવામાં ઓતપ્રોત થઈ ગયો હતો તો તેનું કારણ આત્મદર્શનની અભિલાષા હતું. ઈશ્વરની ઓળખ સેવાથી જ થશે એમ ધારી સેવાધર્મનો સ્વીકાર કર્યો હતો. હિંદની સેવા કરતો હતો કેમ કે તે સેવા મને સહજપ્રાપ્ત હતી, તેની મને આવડતી હતી. તેને મારે શોધવા નહોતું જવું પડ્યું. હું તો મુસાફરી કરવા, કાઠિયાવાડની ખટપટમાંથી છૂટવા અને આજીવિકા શોધવા દક્ષિણ આફ્રિકા ગયો હતો. પણ પડી ગયો ઈશ્વરની શોધમાં-આત્મદર્શનના પ્રયત્નમાં. ખ્રિસ્તી ભાઈઓએ મારી જીજ્ઞાસા બહુ તીવ્ર કરી મૂકી હતી. તે કેમે શમે તેમ ન હતી; ન ખ્રિસ્તી ભાઈબહેનો, હું શાંત થવા માગું તોયે, થવા દે તેમ હતું; કેમ કે ડરબનમાં મિ. સ્પેન્સર વૉલ્ટન, જે દક્ષિણ આફ્રિકાના મિશનના મુખી હતા, તેમણે મને ખોળી કાઢ્યો. તેમના ઘરમાં હું કુટુંબી જેવો થઈ પડ્યો. આ સંબંધનું મૂળ પ્રિટોરિયામાં થયેલા સમાગમ હતા. મિ. વૉલ્ટનની શૈલી કંઈક જુદા પ્રકારની હતી. તેમણે મને ખ્રિસ્તી થવા નોતર્યો હોય એવું યાદ નથી. પણ પોતાના જીવનને તેમણે મારી આગળ મૂકી દીધું ને પોતાની પ્રવૃત્તિઓ મને જોવા દીધી. તેમની ધર્મપત્ની અતિ નમ્ર પણ તેજસ્વી બાઈ હતી.

મને આ દંપતીની પદ્ધતિ પસંદ પડતી હતી. અમારી વચ્ચે રહેતા મૌલિક ભેદો અમે બંને જાણતાં હતાં. એ ભેદો ચર્ચા કરી ભૂંસી શકાય તેવું નહોતું. જ્યાં જ્યાં ઉદારતા, સહુષ્ણુતા અને સત્ય છે ત્યાં ભેદો પણ લાભદાયક નીવડે છે. મને આ દંપતીનાં નમ્રતા, ઉદ્યમ, કાર્યપરાયણતા પ્રિય હતાં. તેથી અમે વખતોવખત મળતાં.

આ સંબંધે મને જાગ્રત રાખ્યો. ધાર્મિક વાચનને સારુ જે નવરાશ મને પ્રિટોરિયામાં મળી ગઈ તે તો હવે અશક્ય હતી, પણ જે કંઈ વખત બચતો તેનો ઉપયોગ હું તેવા વાંચનમાં કરતો. મારો પત્રવ્યવહાર જારી હતો. રાયચંદભાઈ મને દોરી રહ્યા હતા. કોઈ મિત્રે મને નર્મદાશંકરનું 'ધર્મવિચાર' પુસ્તક મોકલ્યું. તેની પ્રસ્તાવના મને મદદરૂપ થઈ પડી. નર્મદાશંકરના વિલાસી જીવનની વાતો મેં સાંભળી હતી. તેમના જીવનમાં