આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૪. ધણીપણું

વિવાહ થયા એ દિવસોમાં નિબંધોનાં નાનાં ચોપાનિયાં – પૈસાનાં કે પાઈનાં એ તો યાદ નથી – નીકળતાં. એમાં દંપતીપ્રેમ, કરકસર, બાળલગ્‍ન વગેરે વિષયો ચર્ચવામાં આવતા. આમાંના કોઈ નિબંધ મારા હાથમાં આવતા ને તે હું વાંચી જતો. એ તો ટેવ હતી જ કે વાંચવું તે પસંદ ન પડે તો ભૂલી જવું. ને પસંદ પડે તો તેનો અમલ કરવો. એકપત્‍નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે એમ વાંચેલું, એ હૃદયમાં રમી રહ્યું. સત્‍યનો શોખ તો હતો જ. એટલે પત્‍નીને છેતરાય તો નહીં જ. એથીયે બીજી સ્‍ત્રી સાથે સંબંધ ન થાય એ પણ સમજાયું હતું. નાનકડી ઉંમરે એકપત્‍નીવ્રતનો ભંગ થવાનો સંભવ બહુ થોડો જ હોય.

પણ આ સદ્‌વિચારોનું એક માઠું પરિણામ આવ્‍યું. જો મારે એકપત્‍નીવ્રત પાળવું જોઈએ તો પત્‍નીને એકપતિવ્રત પાળવું જોઈએ. આ વિચારથી હું અદેખો ધણી બન્‍યો. ‘પાળવું જોઈએ’માંથી ‘પળાવવું જોઈએ’ એ વિચાર ઉપર આવ્‍યો. અને જો પળાવવું જોઈએ તો મારે ચોકી રાખવી જોઈએ. મને કાંઈ પત્‍નીની પવિત્રતા વિશે શંકા લાવવાનું કારણ નહોતું. પણ અદેખાઈ કારણ જોવા ક્યાં બેસે છે ? મારી સ્‍ત્રી હંમેશા ક્યાં જાય છે એ મારે જાણવું જ જોઈએ, તેથી મારી રજા વિના ક્યાંયે જવાય જ નહીં. આ વસ્‍તુ અમારી વચ્‍ચે દુઃખદ ઝઘડાનું મૂળ થઈ પડી. રજા વિના ક્યાંયે ન જવાય એ તો એક જાતની કેદ જ થઈ. પણ કસ્‍તુરબાઈ એવી કેદ સહન કરે એમ હતી જ નહીં. ઈચ્‍છામાં આવે ત્‍યાં જરૂર મને પૂછ્યા વિના જાય. જેમ હું દાબ મૂકું તેમ તે વધારે છૂટ લે, અને તેમ હું વધારે ચિડાઉં. આથી અમ બાળકો વચ્‍ચે અબોલા એ સામાન્‍ય વસ્‍તુ થઇ પડી. કસ્‍તૂરબાઈએ જે છૂટ લીધી તેને હું નિર્દોષ માનું છું. એક બાળા જેના મનમાં પાપ નથી એ દેવદર્શને જવા ઉપર કે કોઈને મળવા જવા ઉપર દાબ કેમ સહન કરે ? આ તો હવે સમજાય છે. ત્‍યારે તો મારે મારું ધણીપણું સિદ્ધ કરવું હતું.

પણ વાંચનાર એમ ન માને કે અમારા આ ઘરસંસારમાં ક્યાંયે મીઠાશ