આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ્યારે મારો મોહ ઊતર્યો ત્યારે વળી પાછો તેમણે બૂટમોજાં, છરીકાંટા ઈત્યાદીનો ત્યાગ કર્યો. ફેરફારો જેમ દુઃખકર્તા હતા તેમ ટેવ પડ્યા પછી તેનો ત્યાગ પણ દુઃખકર હતો. પણ અત્યારે હું જોઉં છું કે અમે બધાં સુધારાની કાંચળી ઉતારીને હળવાં થયાં છીએ.

આ જ સ્ટીમરમાં કેટલાંક બીજાં સગાં તેમ જ ઓળખીતાં પણ હતાં. તેમના તેમ જ ડેકના બીજા ઉતારુઓના પરિચયમાં પણ હું ખૂબ આવતો. અસીલ ને વળી મિત્રની સ્ટીમર એટલે ઘરના જેવી લાગતી અને હું હરજગ્યાએ છૂટથી ફરી શકતો.

સ્ટીમર બીજાં બંદર કર્યા વગર નાતાલ પહોંચવાની હતી, એટલે માત્ર અઢાર દિવસની મુસાફરી હતી. કેમ જાણે અમને પહોંચતાંવેંત ભાવિ તોફાનની ચેતવણી આપવી ન હોય, તેમ અમારે પહોંચવાને ત્રણ કે ચાર દિવસ બાકી હતા એવામાં દરિયામાં ભારે તોફાન ઊપડ્યું. આ દક્ષિણના પ્રદેશમાં ડિસેમ્બર માસ ગરમીનો અને ચોમાસાનો સમય હોય છે, એટલે દક્ષિણ સમુદ્રમાં આ દિવસોમાં નાનાં મોટાં તોફાન હોય જ. તોફાન એવું તો સખત હતું અને એટલું લંબાયું કે મુસાફરો ગભરાયા.

આ દૃશ્ય ભવ્ય હતું. દુઃખમાં સૌ એક થઈ ગયા. ભેદ ભૂલી ગયા. ઈશ્વરને હૃદયથી સંભારવા લાગ્યા. હિંદુ મુસલમાન બધા સાથે મળી ઈશ્વરને યાદ કરવા લાગ્યા. કોઈએ માનતાઓ માની, કપ્તાન પણ ઉતારુઓની સાથે ભળ્યા ને સૌને આશ્વાસન આપી કહ્યું કે, જોકે તોફાન તીખું ગણાય તેવું હતું, તોપણ તેના કરતાં ઘણાં વધારે તીખાં તોફાનોનો પોતાને અનુભવ થયો હતો. સ્ટીમર મજબૂત હોય તો એકાએક ડૂબતી નથી. ઉતારુઓને તેમણે આવું ઘણું સમજાવ્યું, પણ એથી ઉતારુઓને કરાર ન વળે. સ્ટીમરમાં અવાજો તો એવા થાય કે જાણે હમણાં ક્યાંકથી તૂટશે, હમણાં ગાબડું પડશે. ગોથાં એવાં ખાય કે હમણાં ઊથલી પડશે એમ લાગે. ડેક ઉપર તો કોઈ રહી જ શેનું શકે ? ’ઈશ્વર રાખે તેમ રહેવું’ એ સિવાય બીજો ઉદ્‌ગાર નહોતો સંભળાતો.

મને સ્મરણ છે તે પ્રમાણે, આવી ચિંતામાં ચોવીસ કલાક વીત્યા હશે. છેવટે વાદળ વીખરાયું. સૂર્યનારાયણે દર્શન દીધાં. કપ્તાને કહ્યું : ’તોફાન ગયું છે.’