આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નહીં જ બાળો અને ગાંધીના બૈરાંછોકરાને ઈજા નહીં કરો એ તો મારી ખાતરી જ છે.' આમ સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડર બોલ્યા.

ટોળાએ પ્રતિનિધિ નીમ્યા. પ્રતિનિધિઓએ ટોળાને નિરાશાજનક ખબર આપ્યા. સહુ સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરની સમયસૂચકતા ને ચતુરાઈની સ્તુતિ કરતા, પણ કેટલાક ધૂંધવારા વીખરાયા.

મરહૂમ મિ. ચેમ્બરલેને મારા ઉપર હુમલો કરનાર પર કામ ચલાવવાને મને ન્યાય મળે એમ થવા તાર કર્યો. મિ. એસ્કંબે મને પોતાની પાસે બોલાવ્યો. મને ઈજા થઈ તે માટે દિલગીરી બતાવીને કહ્યું, 'તમારો વાળ સરખો વાંકો થાય તેમાં હું રાજી ન જ હોઉં એ તો તમે માનશો જ. મિ. લૉટનની સલાહ માની તમે તુરત ઊતરી જવાનું સાહસ કર્યું. તેમ કરવાનો તમને હક હતો. પણ મારા સંદેશાને માન અપ્યું હોત તો આ દુઃખદ બનાવ ન બનત. હવે જો તમે હુમલો કરનારાને ઓળખી શકો તો તેમને પકડાવવા તથા તેમના ઉપર કામ ચલાવવા હું તૈયાર છું. મિ. ચેમ્બરલેન પણ તેવી માગણી કરે છે.'

મેં જવાબ આપ્યો:'મરે કોઈના ઉપર કામ ચલાવવું નથી. હુમલો કરનારાઓમાંથી એકબેને કદાચ હું ઓળખું, પણ તેમને સજા કરાવવાથી મને શો લાભ? વળી હું હુમલો કરનારાઓને દોષિત પણ નથી ગણતો. તેમને તો એમ કહેવામાં આવ્યું કે, મેં હિંદુસ્તાનમાં અતિશયોક્તિ કરી નાતાલના ગોરાઓને વગોવ્યા. આ વાત તેઓ માને ને ગુસ્સો કરે તેમાં નવાઈ શી? દોષ તો ઉપરીઓનો અને, મને કહેવ દો તો, તમારો ગણાય. તમે લોકોને સીધી રીતે દોરી શકતા હતા. પણ તમે સુદ્ધાં રૉઈટરના તારને માન્યો ને મેં અતિશયોક્તિ કરી હશે એમ કલ્પી લીધું. મારે કોઈના ઉપર કામ ચલાવવું નથી. જ્યારે ખરી હકીકત જાહેર થશે ને લોકો જાણશે ત્યારે તેઓ પસ્તાશે.'

'ત્યારે તમે મને આ વાત લેખિતવાર આપશો? મારે તેવો તાર મિ. ચેમ્બરલેનને મોકલવો પડશે. તમે ઉતાવલે કશું લખી આપો એમ હું નથી માંગતો. તમે મિ.લૉટનને તથા તમારા બીજા મિત્રોને પૂછીને જે યોગ્ય લાગે તે કરો એમ હું ઈચ્છું છું. એટલું કબૂલ કરું છું કે, જો તમે હુમલો કરનારાઓના ઉપર કામ નહીં ચલાવો તો બધું શાંત પાડવામાં મને મદદ બહુ મળશે ને તમારી પ્રતિષ્ઠા તો અવશ્ય વધશે જ.' મેં જવાબ આપ્યો :