આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈસ્તરી કરવાની રજા મળી. મારી કુશળતાનું મને પ્રમાણપત્ર મળી ચૂક્યું ! હવે મને જગત પ્રમાણપત્ર ન આપે તો શું થયું ?

જેમ ધોબીની ગુલામીમાંથી હું છૂટ્યો તેમ હજામની ગુલામીમાંથી પણ છૂટવાનો પ્રસંગ આવ્યો. હજામત તો વિલાયત જનારા સહુ હાથે કરતા શીખે જ. પણ વાળ કાપવાનું કોઈ શીખતા હોય એવો મને ખ્યાલ નથી. પ્રિટોરિયામાં હું એક વેળા એક અંગ્રેજ હજામની દુકાને પહોંચ્યો. તેણે મારી હજામત કરવાની ઘસીને ના પાડી , ને ના પાડવામાં જે તિરસ્કાર બતાવ્યો તે વધારાનો . મને દુ:ખ થયું. હું પહોંચ્યો બજારમાં. વાળ કાપવાનો સંચો ખરીધ્યો ને અરીસાની સામે ઊભા રહી વાળ કાપ્યા. વાળ જેમ તેમ કપાયા તો ખરા; પણ પાછળના કાપતાં બહુ મુશ્કેલી પડી. સીધા તો ન જ કપાયા. કોર્ટમાં હસાહસ.

'તારે માથે ઉંદર ફરી ગયા છે?'

મેં કહ્યું: 'ના; મારા કાળા માથાનો સ્પર્શ ધોળા હજામ કેમ કરે? એટલે જેવા તેવા પણ હાથે કાપેલા વાળ મને વથારે પ્રિય છે.'

આ જવાબથી મિત્રોને આશ્વર્ય ન થયું ખરું જોતાં પેલા હજામનો કશો દોષ ન હતો. જો તે શ્યામવર્ણ લોકોના વાળ કાપે તો તેની કમાણી જાય. આપણે ક્યાં આપણા અસ્પૃશ્યોના વાળ ઊંચવર્ણા હિંદુઓના હજામ પાસે કપાવા દઈએ છીએ ? એનો બદલો મને દક્ષિણ આફ્રિકામાં એક નહીં પણ અનેક વેળા મળ્યો છે; અને આપણા દોષનું એ પરિણામ છે એવી મારી સમજ હોવાથી મને એ વાતનો કદી રોષ નથી ચડ્યો.

સ્વાવલંબન અને સાદાઈના મારા શોખે આગળ જતાં જે તીવ્ર સ્વરૂપ પકડ્યું તેનું વર્ણન તો તેને સ્થળે આવશે. તે વસ્તુનું મૂળ તો અસલથી જ હતું. તેને ફાલવાને સારુ માત્ર સિંચનની આવશ્યકતા હતી. તે સિંચન અનાયાસે જ મળી રહ્યું.