આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'મારી પાસે તો કારકુનનું કામ છે. તે કરશો?'

મેં જવાબ આપ્યો: 'જરૂર કરીશ. મારી શક્તિ ઉપરાંત નહીં હોય તે બધું કરવા હું આપની પાસે આવ્યો છું.'

'નવજુવાન, એ જ ખરી ભાવના છે.'

સ્વયંસેવકો તેમની પડખે ઊભા હતા તેમની તરફ જોઈ બોલ્યા:

'તમે જુઓ છો કે આ જુવાન શું કહે છે?'

પછી મારા તરફ વળીને બોલ્યા:

'ત્યારે આ રહ્યો કાગળનો ઢગલો ને આ મારી સામે ખુરશી. તે તમે લો. તમે જુઓ છો કે મારી પાસે સેંકડો માણસો આવ્યા કરે છે. તેમને મળું કે આ નવરા કાગળ લખી રહ્યા છે તેમને જવાબ આપું? મારી પાસે કારકુનો એવા નથી કે તેમની પાસે હું આ કામ લઈ શકું. આ બધા કાગળોમાંના ઘણામાં તો કઈં જ નહીં હોય. પણ તમે બધા જોઈ જજો. જેની પહોંચ આપવી ઘટે તેની પહોંચ આપજો. એ જેના જવાબ વિષે મને પૂછવું ઘટે તે વિષે મને પૂછજો.' હું તો આ વિશ્વાસથી ખુશ ખુશ થઈ ગયો.

શ્રી ઘોષળ મને ઓળખતા ન હતા. નામઠામ જાણવાનું કામ તો તેમણે પાછળથી કર્યું. કાગળનો ઢગલો ઉકેલવાનું કામ મને બહુ સહેલું લાગ્યું. પડેલો ઢગલો તો મેં તુરત પૂરો કર્યો. ઘોષળબાબુ ખુશ થયા. તેમનો વાતો કરવાનો સ્વભાવ હતો. હું જોતો કે વાતોમાં પોતે બહુ સમય ગાળતા. મરો ઇતિહાસ જાણ્યા પછી તો મને કારકુનનું કામ સોંપ્યાની તેમને જરા શરમ લાગી. મેં તેમને નિશ્ચિંત કર્યા.

'હું ક્યાં અને તમે ક્યાં? તમે મહાસભાના જૂના સેવક, મને તો વડીલ સમાન. હું રહ્યો બિનઅનુભવી નવજુવાન. આ કામ સોંપી મારા ઉપર તો તમે ઉપકાર જ કર્યો છે. કેમ કે, મારે મહાસભામાં કામ કરવું છે. તેનો કારભાર સમજવાનો અલભ્ય અવસર તમે મને આપ્યો છે.'

'ખરું પુછાવો તો એ સાચી વૃત્તિ છે. પણ આજના જુવાનિયા એમ નથી માનતા. બાકી, હું તો મહાસભાને તેના જન્મથી જાણું છું. તેને જન્મ આપવામાં મિ. હ્યુમની સાથે મારો પણ ભાગ હતો,' ઘોષળબાબુ બોલ્યા.

અમારી વચ્ચે ઠીક ઠીક ગાંઠ બંધાઈ. મને બપોરના ખાણામાં પોતાની સાથે જ રાખ્યો. ઘોષળબાબુના બટન પણ 'બૅરા' ભીડતો. એ જોઈ 'બૅરા'નું