આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું લજવાયો ને પસ્‍તાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઇએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્‍ન કર્યો, પણ પાકે ઘડે કંઇ કાંઠા ચડે ? જુવાનીમાં જેની મે અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શકયો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્‍યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારુ ચિત્રકળા આવશ્‍યક છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોચ્‍યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઇએ. જેમ પક્ષી ઓ, વસ્‍તુઓ વગેરેને જોઇ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમ જ અક્ષર ઓળખતાં શીખે, ને જયારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતાં શીખે ત્‍યારે અક્ષર કાઢતાં શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય.

આ કાળના વિદ્યાભ્‍યાસનાં બીજાં બે સ્‍મરણ નોંધવાલાયક છે. વિવાહને લીધે એક વર્ષ ભાંગ્‍યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્‍તરે મારી પાસે વિચાર કરાવ્‍યો. મહેનતું વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્‍યારે તો મળતી. આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂકયો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો જ, ને વળી એ મુદ્દલ ન સમજાય. ભૂમિતિશિક્ષક સમજાવવામાં સારા હતા. પણ મને કંઇ ગેડ જ ન બેસે. હું ઘણી વેળા નિરાશ થતો. કોઇ વેળા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં. પણ એમ કરું તો મારી લાજ જાય, ને જેણે મારી ખંત ઉપર વિશ્ર્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. એ ભયથી નીચે ઊતરવાનો વિચાર તો બંધ જ રાખ્‍યો. પ્રયત્‍ન કરતાં કરતાં જયારે યુકિલડના તેરમા પ્રમેય ઉપર આવ્‍યો ત્‍યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે તેમાં મુશ્‍કેલી શી ? ત્‍યાર બાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઇ પડયો.

સંસ્‍કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્‍કેલી પાડી. ભૂમિતિમાં ગોખવાનું