આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ વાત કરે એમ મેં આ ગૃહસ્થને જણાવ્યું. આ ઘાતકી રિવાજ બંધ થવો જોઈએ એમ લાગ્યું. પેલી બુદ્ધદેવવાળી કથા યાદ આવી. પણ મેં જોયું કે આ કામ મારી શક્તિ બહારનું હતું.

જે મેં ત્યારે ધાર્યું તે આજે પણ ધારું છું. મારે મન ઘેટાંના જીવની કિંમત મનુષ્યના જીવના કરતા ઓછી નથી. મનુષ્ય દેહને નિભાવવા હું ઘેટાંનો દેહ લેવા તૈયાર ન થાઉં. જેમ વધારે અપંગ જીવ તેમ તેને મનુષ્યના ઘાતકીપણાથી બચવા મનુષ્યના આશ્રયનો વધારે અધિકાર છે એમ હું માનું છું. પણ તેવી યોગ્યતા વિના મનુષ્ય આશ્રય આપવા પણ અસમર્થ છે. ઘેટાંને આ પાપી હોમમાંથી બચાવવા, મારી પાસે છે તેના કરતાં અતિશય વધારે આત્મશુદ્ધિની અને ત્યાગની આવશ્યકતા છે. એ શુદ્ધિ અને એ ત્યાગની અત્યારે તો ઝંખના કરતાં જ મારે મરવું રહ્યું છે એમ લાગે છે. એવો કોઈ તેજસ્વી પુરુષ કે એવી કોઈ તેજસ્વીની સતી પેદા થાઓ, જે આ મહાપાતકમાંથી મનુષ્યને બચાવે, નિર્દોષ પ્રાણીઓની રક્ષા કરે, ને મંદિરને શુદ્ધ કરે, એવી પ્રાર્થના તો નિરંતર કરું છું. જ્ઞાની, બુદ્ધિશાળી, ત્યાગવૃત્તિવાળું, ભાવના પ્રધાન બંગાળ કેમ આ વધ સહન કરે છે?


૧૯. ગોખલે સાથે એક માસ—૩

કાલિ માતાને નિમિત્તે થતો વિકરાળ યજ્ઞ જોઈને બંગાળી જીવન જાણવાની મારી ઈચ્છા વધી. બ્રહ્મસમાજને વિષે તો ઠી ઠીક વાંચ્યું-સાંભળ્યું હતું. પ્રતાપચંદ્ર મજમુદારનું જીવન વૃત્તાંત થોડું જાણતો હતો. તેમનાં વ્યાખ્યાનો સાંભળવા ગયો હતો. તેમનું લખેલ કેશવચંદ્ર સેનનું જીવનવૃત્તાંત મેળવ્યું અને અતિ રસપૂર્વક વાંચી ગયો. સાધારણ બ્રહ્મ સમાજ અને આદિ બ્રહ્મ સમાજનો ભેદ જાણ્યો. પંડિત શિવનાથ શાસ્ત્રીના દર્શન કર્યાં. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરનાં દર્શન કરવા પ્રો. કાથવટે અને હું ગયા. પણ તેઓ તે વેળા કોઈને મળતા નહોતા, તેથી તેમનાં દર્શન ન થઈ શક્યાં. પણ તેમને ત્યાં બ્રહ્મસમાજનો ઉત્સવ હતો તેમાં જવા અમને નોતરેલા તેથી અમે ગયા હતા, ને ત્યાં ઊંચા પ્રકારનું બંગાળી સંગીત સાંભળવા પામ્યા. ત્યારથી જ બંગાળી સંગીત ઉપરનો મારો મોહ જામ્યો.