આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો કંઇ જ ન મળે, ત્‍યારે સંસ્‍કૃતમાં તો મારી દષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું. આ વિષય પણ ચોથા ધોરણથી શરૂ થયેલો. છઠ્ઠા ધોરણમાં હું હાર્યો. સંસ્‍કૃતશિક્ષક બહુ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણું શીખવવાનો લોભ રાખતા. સંસ્‍કૃતવર્ગ ને ફારસીવર્ગ વચ્‍ચે એકજાતની હરીફાઇ હતી. ફારસી શીખવનાર મોલવી નરમ હતા. વિદ્યાર્થીઓ માંહે માંહે વાત કરે કે, ફારસી તો બહુ સહેલું છે ને ફરસીશીક્ષક બહુ ભલા છે, વિદ્યાર્થી જેટલું કરે તેટલાથી તે નિભાવી લે છે. હું પણ સહેલું છે એમ સાંભળી લોભાયો ને એક દિવસ ફારસીના વર્ગમાં જઇ બેઠો. સંસ્‍કૃતશિક્ષકને દુઃખ થયું. તેમને મને બોલાવ્‍યો. ‘તું કોનો દીકરો છે એ તો સમજ. તારા ધર્મની ભાષા તું નહીં શીખે ? તને જે મુશ્‍કેલી હોય તે મને બતાવ. હું તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્‍કૃત શીખવવા ઇચ્‍છું છું. આગળ જતાં તો તેમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઇએ. તું ફરી મારા વર્ગમાં બેસ. ’ હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શકયો. આજે મારો આત્‍મા કૃષ્‍ણાશંકર માસ્‍તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્‍કૃત હું તે વેળા શીખ્‍યો તેટલું પણ ન શીખ્‍યો હોત તો આજે મારાથી, સંસ્‍કૃત શાસ્‍ત્રોમાં રસ લઇ શકું છું, તે ન લઇ શકાત. મને તો એ પશ્ર્ચાતાપ થાય છે કે હું સંસ્‍કૃત વધારે ન શીખી શકયો. કેમ કે , પાછળથી હું સમજયો કે કોઇ પણ હિંદુ બાળકે સંસ્‍કૃતના સરસ અભ્‍યાસ વિના ન જ રહેવું જોઇએ.

હવે તો હું એવું માનું છું કે ભારતવર્ષના ઉચ્‍ચ શિક્ષણક્રમમાં સ્‍વભાષા ઉપરાંત રાષ્‍ટ્રભાષા હિંદી, સંસ્‍કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્‍થાન હોવું જોઇએ. આટલી ભાષાની સંખ્યાથી કોઇએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી, એટલું જ નહીં પણ તેમાં અતીશય રસ રહેલો છે. વળી જે એક ભાષા ને શાસ્‍ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજીનું જ્ઞાન સુલભ થઇ પડે છે. ખરું જોતાં તો હિંદી, ગુજરાતી, સંસ્‍કૃત એક ભાષામાં ગણી શકાય. તેમ જ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જોકે સંસ્‍કૃતને લગતી છે, ને અરબી હિબ્રુને લગતી છે, છતાં