આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેળવીને અપાય, પણ તેથી તેનું પૂરું પોષણ નહીં થઇ શકે. તમે જાણો છો તેમ, હું તો ઘણાં હિંદુ કુટુંબોમાં જાઉં છું. પણ દવાને સારુ તો અમે ગમે તે વસ્તુ આપીએ તે તેઓ લે છે. મને તો લાગે છે કે, તમે તમારા દીકરા ઉપર આવી સખતી ન કરો તો સારું.’

‘તમે કહો છો એ તો સાચું જ છે. તમારે એમ જ કહેવું ઘટે. મારી જવાબદારી બહુ મોટી છે. દીકરો મોટો થયો હોત તો તો હું જરૂર તેની મરજી જાણવા પ્રયત્ન કરત ને તે ઇચ્છત તેમ કરવા દેત. અહીં તો મારે જ આ બાળકને સારુ વિચાર કરવાનું રહ્યું. મને તો લાગે છે કે મનુષ્યના ધર્મની કસોટી આવે જ સમયે થાય. ખરોખોટો પણ મેં એવો ધર્મ માન્યો છે કે, મનુષ્યે માંસાદિક ન ખાવાં જોઇએ. જીવનનાં સાધનોની પણ હદ હોય. જીવવાને ખાતર પણ અમુક વસ્તુઓ આપણે ન કરીએ. મારા ધર્મની મર્યાદા મને, મારે સારુ ને મારાંને સારુ, આવે વખતે પણ માંસ ઇત્યાદિનો ઉપયોગ કરતાં રોકે છે. એટલે મારે તમે ધારો છો તે જોખમ વેઠ્યે જ છૂટકો છે. પણ તમારી પાસેથી એક વસ્તુ માગી લઉં છું. તમારા ઉપચાર તો નહીં કરું, પણ મને આ બાળકની છાતી, નાડ ઇત્યાદિ તપાસતાં નહીં આવડે. મને પોતાને પાણીના ઉપચારોની થોડી ગમે છે. તે ઉપચારો કરવા હું ધારું છું. પણ જો તમે અવારનવાર મણિલાલની તબિયત જોવા આવતા રહેશો ને તેના શરીરમાં થતા ફેરફારોની મને ખબર આપશો, તો હું તમારો આભાર માનીશ.’

ભલા દાક્તર મારી મુશ્કેલી સમજ્યા ને મારી માગણી મુજબ મણિલાલને જોવા આવવા કબૂલ કર્યું.

જોકે મણિલાલ પોતાની પસંદગી કરી શકે એમ તો નહોતું, છતાં મેં તેને દાક્તરની સાથે થયેલી વાત કરીને તેનો વિચાર જણાવવા કહ્યું.

‘તમે પાણીના ઉપચાર સુખેથી કરો. મારે સેરવો નથી પીવો ને ઈંડા નથી ખાવા.’

આ વચનથી હું રાજી થયો. જોકે હું સમજતો હતો કે, જો મેં તેને એ બન્ને ચીજ ખવડાવી હોત તો તે ખાત પણ ખરો.

હું ક્યુનીના ઉપચારો જાણતો હતો. તેના અખતરા પણ કર્યા હતા. દરદમાં ઉપવાસને મોટું સ્થાન છે એ પણ જાણતો હતો. મેં મણિલાલને