આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આત્મ કથા : ભાગ ૪


૧. કરી કમાણી એળે ગઈ?

મિ. ચેમ્બરલેન સાડા ત્રણ કરોડ પાઉંડ દક્ષિણ આફ્રિકાથી લેવા આવ્યા હતા, અંગ્રેજોનું અને બની શકે તો બોઅરોનું મન હરણ કરવા આવ્યા હતા. એટલે હિંદી પ્રતિનિધિઓને ઠંડો જવાબ મળ્યો.

'તમે જાણો છો કે જવાબદાર સંસ્થાઓની ઉપર વડી સરકારનો માત્ર નામનો અંકુશ છે. તમારી ફરિયાદો સાચી લાગે છે. હું મારાથી બનતું કરીશ, પણ તમારાથે બને તેવી રીતે અહીંના ગોરાઓને રીઝવીને રહેવાનું છે.'

પ્રતિનિધિઓ જવાબ સાંભલી ટાઢાબોળ થઈ ગયા. મેં હાથ ધોયા. 'જાગ્યા ત્યાંથી સવાર' ગણી ફરી એકદો ઘૂંટવા બેસવું એમ સમજ્યો. સાથીઓને સમજાવ્યા.

મિ. ચેમ્બરલેનનો જવાબ શું ખોટો હતો? ગોળ ગોળ કહેવાને બદલે તેઓ સીધું બોલ્યા. 'મારે તેની તલવાર'નો કાયદો તેમણે કંઈક મધુર શબ્દોમાં સમજાવી દીધો.

પણ અમારી પાસે તલવાર જ ક્યાં હતી? અમારી પાસે તો તલવારના ઘા ઝીલવાના શરીરોય ભાગ્યે હતાં.

મિ. ચેમ્બરલેન થોડાં અઠવાડિયાં જ રહેવાના હતા. દક્ષિણ આફ્રિકા એક નાનકડો પ્રાંત નથી. એ એક દેશ છે, ખંડ છે. આફ્રિકામાં ઘણાં પેટા ખંડો સમાયા છે. કન્યાકુમરીથી શ્રી નગર જો ૧૯૦૦ માઈલ છે, તો ડરબનથી કેપટાઊન ૧૧૦૦ માઈલથી ઓછું નથી. આ ખંડમાં મિ. ચેમ્બરલેનને પવનવેગે ફરવું હતું. તેઓ ટ્રાન્સવાલ ખાતે ઉપડ્યા. મારે ત્યાંનો કેસ તૈયાર કરી રજૂ કરવો રહ્યો. પ્રિટોરિયા કઈ રીતે પહોંચવું? ત્યાં હું વખતસર પહોંચીશકું એ માટે પરવાનગી મેળવવાનું આપણા લોકોથી બની શકે તેમ નહોતું.

લડાઈ પછી ટ્રાન્સવાલ ઊજડ જેવું થઈ ગયું અહ્તું. ત્યાં ખાવા પીવા