આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપણે પી જવું પડશે.'

આમ હું કહી રહ્યો હતો ત્યાં તૈયબ શેઠ બોલી ઊઠ્યા: 'પણ તમારું અપમાન તે કોમનું જ છે ના? તમે અમારા પ્રતિનિધિ છો એ કેમ ભુલાય?'

મેં કહ્યું, 'એ ખરું જ છે. પણ આવાં અપમાન કોમે પણ ગળી જવાં પડશે. આપણી પાસે બીજો ઈલાજ શો છે?

'ભલે જે થવાનું હોય તે થાઓ. પણ હાથે કરીને બીજું અપમાન શા સારું વહોરવું? ખરાબ તો આમેય થઈ રહ્યું છે. આપણને શા હક બળ્યા છે?' તૈયબ શેઠે જવાબ વાળ્યો.

આ જુસ્સો મને ગમતો હતો, પણ તેનો ઉપયોગ ન કરાય એમ પણ હું જાણતો હતો. કોમની મર્યાદાનો મને અનુભવ હતો, એટલે મેં સાથીઓને શાંત પાડ્યા ને મારા વતી મરહૂમ જ્યૉર્જ ગૉડફ્રે જે હિંદી બારિસ્ટર હતા તેમને લઈ જવાની સલાહ આપી.

એટલે મિ. ગૉડફ્રે ડેપ્યુટેશનના નાયક થયા. મારે વિષે મિ. ચેમ્બરલેને થોડી ચર્ચા પણ કરી. 'એક જ માણસને ફરી સાંભળવા કરતાં નવાને સાંભળવા વધારે યોગ્ય,' વગેરે કહી કરેલો જખમ રુઝાવવા પ્રયત્ન કર્યો.

પણ આથી કોમનું ને મારું કામ વધ્યું, પૂરું ન થયું. એકડે એકથી ફરી શરૂ કરવાનું રહ્યું. 'તમારા કહેવાથી કોમે લડાઈમાં ભાગ લીધો. પણ પરિણામ તો આ જ આવ્યું ના?' એમ મહેણું મારનારા પણ મળી આવ્યા. એ મહેણાની મારા ઉપર કંઈ અસર ન થઈ. મેં કહ્યું, 'મને તે સલાહનો પશ્ચાતાપ નથી. આપણે ભાગ લીધો એ ઠીક કર્યું એમ હજુ હું માનું છું. આપણે તેમ કરીને આપણા કર્તવ્યનું પાલન કર્યું. તેનું ફળ ભલે આપણને જોવાનું ન મળે. પણ શુભ કાર્યનું ફળ શુભ જ છે એવો મારો દૃઢ વિશ્વાસ છે. ગઈગુજરીનો વિચાર કરવા કરતાં હવે આપણું શું કર્તવ્ય છે એ વિચાર કરવો વધારે સારું છે. એટલે આપણે એ વિચારીએ.'

આ વાત બીજાઓએ ઉપાડી લીધી.

મેં કહ્યું: 'ખરું જોતાં જે કામને સારુ મને બોલાવ્યો હતો તે તો હવે પૂરું થયું ગણાય. પણ હું માનું છું કે, તમે મને રજા આપો તો પણ, મારાથી બને ત્યાં લગી, હું ટ્રાન્સવાલમાંથી ન ખસું. મારું કામ હવે