આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાતાલમાંથી નહીં પણ અહીંથી ચાલવું જોઈએ. એક વર્ષની અંદર પાછા જવાનો વિચાર મારે માંડી વાળવો જોઈએ ને મારે અહીંની વકીલાતની સનદ મેળવવી જોઈએ. આ નવા ખાતાને પહોંચી વળવાની મને હિંમત છે. જો તેને ન પહોંચી વળીએ તો કોમ લૂંટાઈ જાય ને કદાચ અહીંથી કોમનો પગ નીકળી જાય. કોમની હીણપત તો રોજ વધતી જ જાય. મિ. ચેમ્બરલેન મને ન મળ્યા, પેલા અમલદારે મારી સાથે તોછડાઈભરેલું વર્તન ચલાવ્યું, એ તો કોમ આખીની નામોશી થાય તેના હિસાબમાં કંઈ જ નથી. અહીં આપણે કૂતરાની જેમ રહીએ એ સહન ન જ કરાય.'

આમ મેં વાત ચલાવી. પ્રિટોરિયા અને જોહાનિસબર્ગમાં વસતા હિંદી આગેવાનો સાથે મસલત કરીને છેવટે જોહાનિસબર્ગમાં ઑફિસ રાખવાનો નિશ્ચય થયો.

ટ્રાન્સવાલમાં મને વકીલાતની સનદ મળવા વિષે પણ શંકા તો હતી જ. પણ વકીલમંડળ તરફથી મારી અરજીનો વિરોધ ન થયો ને વડી અદાલતે મારી અરજી મંજૂર કરી.

હિંદીને યોગ્ય જગ્યામાં ઑફિસ મળવી એ પણ મુશ્કેલીની વાત હતી. મિ. રીચની સાથે મને સારો પરિચય થઈ ગયો હતો. તે વખતે તેઓ વેપારીવર્ગમાં હતા. તેમના ઓળખીતા હાઉસ-એજંટની મારફતે મેં ઑફિસનું મકાન સારી જગ્યામાં મેળવ્યું ને વકીલાત શરૂ કરી.


૪. વધતી જતી ત્યાગવૃત્તિ

ટ્રાન્સવાલમાં કોમી હકોને સારુ કઈ રીતે લડવું પડ્યું ને અશિયાઈ ખાતાના અમલદારોની સાથે કેમ વર્તવું પડ્યું તેના વર્ણનમાં આગળ વધું તે પહેલાં મારા જીવનના બીજા ભાગ ઉપર નજર નાંખવાની આવશ્યકતા છે.

આજ લગી કંઈક દ્રવ્ય એકઠું કરવાની ઈચ્છા હતી, પરમાર્થની સાથે સ્વાર્થનું મિશ્રણ હતું.

મુંબઈમાં જ્યારે ઑફિસ ખોલી ત્યારે એક અમેરિકન વીમાદલાલ આવ્યો હતો. તેનો ચહેરો ખુશનુમા હતો. તેની વાત મીઠી હતી. કેમ જાણે અમે જૂના મિત્રો ન હોઈએ, એમ તેણે મારી સાથે મારા ભાવિ કલ્યાણની વાતો કરી: 'અમેરિકામાં તો તમારી સ્થિતિના બધા માણસો