આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અભ્યાસને પરિણામે વિશેષ સમજ્યો. કાયદાના શાસ્ત્રને વિષે માન વધ્યું. તેમાં પણ મેં ધર્મ ભાળ્યો. ટ્રસ્ટીની પાસે કરોડો હોય છતાં તેમાંની એક પાઇ તેની નથી, તેમ મુમુક્ષુએ વર્તવું રહ્યું એમ હું ગીતાજીમાંથી સમજ્યો. અપરિગ્રહી થવામાં, સમભાવી થવામાં હેતુનું, હ્રદયનું પરિવર્તન આવશ્યક છે એમ મને દીવા જેવું દેખાયું. રેવાશંકરભાઇને લખી વાળ્યું કે વીમાની પૉલીસી બંધ કરજો. કંઇ પાછું મળે તો લેજો, ન મળે તો અપાયા પૈસા ગયા સમજજો. બાળકોની અને સ્ત્રીની રક્ષા તેનો અને આપણો પેદા કરનાર કરશે. આવી મતલબનો કાગળ લખ્યો. પિતા સમાન ભાઇને લખ્યું, 'આજ લગી તો મારી પાસે બચ્યું તે તમને અર્પણ કર્યું. હવે મારી આશા છોડજો. હવે જે બચશે તે અહીં જ કોમને અર્થે વપરાશે.'

આ વાત હું ભાઇને ઝટ ન સમજાવી શક્યો. તેમણે મને પ્રથમ તો સખત શબ્દોમાં તેમના પ્રત્યેનો મારો ધર્મ સમજાવ્યો: બાપ કરતાં મારે ડાહ્યા ન થવું, બાપે જેમ કુટુંબને પોષ્યું તેમ મારે પણ કરવું જોઇએ, વગેરે. મેં સામો વિનય કર્યો કે બાપનું જ કામ હું કરી રહ્યો છું. કુટુંબનો અર્થ જરા બહોળો કરીએ તો મારું પગલું સમજાય તેવું લાગશે.

ભાઇએ આશા છોડી. લગભગ અબોલા જેવું કર્યું. મને તેથી દુઃખ થયું. પણ જેને હું ધર્મ માનતો હતો તે છોડતાં ઘણું વધારે દુઃખ થતું હતું. મેં ઓછું દુઃખ સહન કર્યું. છતાં ભાઇ પ્રત્યેની મારી ભક્તિ નિર્મળ અને પ્રચંડ હતી. ભાઇનું દુઃખ તેમનાં પ્રેમમાંથી ઉદ્ભવ્યું હતું. તેમને મારા પૈસા કરતાંય મારા સદવર્તનની વધારે ગરજ હતી.

તેમના આખરના દિવસોમાં ભાઇ પલળ્યા. મરણપથારીએ હતા ત્યારે તેમને જણાયું કે મારું પગલું જ સાચું અને ધર્મ્ય હતું. તેમનો અત્યંત કરુણાજનક કાગળ મળ્યો. જો બાપ દીકરાની માફી માગી શકતો હોય તો તેમણે મારી માફી માગી. તેમના દીકરાઓને મારી પ્રમાણે ઉછેરવાની મને ભલામણ કરી. પોતે મને મળવાને અધીરા થયા. મને તાર કર્યો. મેં 'આવો' એમ તારથી જવાબ આપ્યો. પણ અમારો મેળાપ નિર્માયો નહોતો.

તેમની તેમના પુત્રો વિષેની ઈચ્છા પણ પૂરી ન થઈ. ભાઈએ દેશમાં જ દેહ છોડ્યો. દીકરાઓને તેમના આગલા જીવનનો સ્પર્શ હતો. તેમનું