આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેઓ મારે વિષે નિર્ભય બનવા લાગ્યા; ને જોકે તેમનાં ખાતાં સામે મારે ઘણી વેળા લડવું પડતું, તીખા શબ્દો વાપરવા પડતા, છતાં તેઓ મારી સાથે મીઠો સંબંધ રાખતા. આવી વર્તણૂક મારા સ્વભાવમાં જ હતી એનું મને તે વેળા બરોબર જ્ઞાન નહોતું. આવા વર્તનમાં સત્યાગ્રહની જડ રહેલી છે, એ અહિંસાનું અંગવિશેષ છે, એ હું પાછળથી સમજતો થયો.

મનુષ્ય અને તેનું કામ એ બે નોખી વસ્તુ છે. સારાં કામ પ્રત્યે આદર અને નઠારાં પ્રત્યે તિરસ્કાર હોવો જ જોઈએ. સારાંનરસાં કામ કરનાર પ્રત્યે હમેશાં આદર અથવા દયા હોવાં જોઈએ. આ વસ્તુ સમજવે સહેલી છે છતાં તેનો અમલ ઓછામાં ઓછો થાય છે. તેથી જ આ જગતમાં ઝેર ફેલાયાં કરે છે.

સત્યની શોધના મૂળમાં આવી અહિંસા રહેલી છે. તે હાથ ન આવે ત્યાં લગી સત્ય મળે જ નહીં એમ હું પ્રતિક્ષણ અનુભવ્યા કરું છું. તંત્રની સામે ઝઘડો શોભે, તંત્રીની સામે ઝઘડો કરવો તે પોતાની સામે કર્યા બરોબર છે. કેમ કે બધા એક જ પીંછીથી દોરાયેલા છીએ, એક જ બ્રહ્માની પ્રજા છીએ. તંત્રીમાં તો અનંત શક્તિ રહેલી છે. તંત્રીનો અનાદર—તિરસ્કાર કરવા જતાં તે શક્તિઓનો અનાદર થાય ને તેમ થતાં તંત્રીને તેમ જ જગતને નુકસાન પહોંચે.


૧૦. એક પુણ્યસ્મરણ ને પ્રાયશ્ચિત્ત

મારા જીવનમાં એવા બનાવો બન્યા જ કર્યા છે જે વડે હું અનેક ધર્મીઓના અને અનેક જાતિઓના ગાઢ પરિચયમાં આવી શકયો છું. એ બધાઓના અનુભવો પરથી એમ કહી શકાય કે મેં સગાં અને પરાયાં, દેશી અને પરદેશી, ગોરા અને કાળા, હિંદુ અને મુસલમાન અથવા ખ્રિસ્તી, પારસી કે યહૂદી વચ્ચે ભેદ નથી જાણ્યો. મારું હૃદય એવા ભેદને ઓળખી જ નથી શકયું એમ કહી શકું છું આ વસ્તુને મારે વિષે હું ગુણ નથી માનતો, કેમ કે જેમ અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહાદિ યમોને કેળવવાનો પ્રયત્ન કર્યાનું ને તે પ્રયત્ન હજુ ચાલુ હોવાનું મને પૂર્ણ ભાન છે, તેમ આવો અભેદ કેળવવાનો મેં ખાસ પ્રયત્ન કર્યો હોય એવો મને ખ્યાલ નથી.