આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્મરણ છે, છતાં એમ અવશ્ય કહી શકું છું કે બન્ને જણ ઘરનાં બીજાં માણસો સાથે ભળી ગયા હતા. જોહાનિસબર્ગમાં આ સંબંધો ડરબનના કરતાં વધારે આગળ ગયા.


૧૨. અંગ્રેજી પરિચયો

જોહાનિસબર્ગમાં મારી પાસે એક વેળા ચાર હિંદી મહેતા થઈ ગયા હતા. તેમને મહેતા ગણવા કે દીકરા એ નથી કહી શકતો. એટલેથી મારું કામ ન સર્યું. ટાઇપિંગ વિના તો ન જ ચાલે. ટાઇપિંગનું કંઈકે જ્ઞાન હતું તે માત્ર મને જ. આ ચાર જુવાનોમાંના બેને ટાઇપિંગ શીખવ્યું, પણ અંગ્રેજી જ્ઞાન કાચું હોવાને લીધે તેમનું ટાઇપિંગ કદી સારું ન થઈ શક્યું. વળી આમાંથી જ મારે હિસાબ રાખનાર પણ તૈયાર કરવાના રહ્યા હતા. નાતાલથી મારી ઇચ્છા પ્રમાણે કોઈને બોલાવી શકતો નહોતો, કેમ કે પરવાના વિના કોઈ હિંદી દાખલ ન થઈ શકે. અને મારી સગવડને ખાતર અમલદારોની મહેરબાની માગવા હું તૈયાર નહોતો.

હું મૂંઝાયો. કામ એટલું વધી પડ્યું કે ગમે તેટલી મહેનત કરતાં છતાં મારાથી વકીલાતને અને જાહેર કામને પહોંચી વળાય તેમ ન રહ્યું.

અંગ્રેજ મહેતો કે મહેતી મળે તો હું ન લઉં એમ નહોતું. પણ ’કાળા’ માણસને ત્યાં ગોરા તે નોકરી કરે ? આ મારી ધાસ્તી હતી. પણ મેં પ્રયત્ન કરવાનો નિશ્ચય કર્યો. હું ટાઇપરાઇટિંગ એજંટને કંઈક જાણતો હતો તેની પાસે ગયો, ને જેને ’કાળા’ માણસની નીચે નોકરી કરવામાં અડચણ ન હોય તેવી ટાઇપરાઇટિંગ કરનાર બાઈ કે ભાઈ મળે તો શોધી દેવા કહ્યું. દક્ષિણ આફ્રિકામાં શૉર્ટહેન્ડ લખવાનું ને ટાઇપ કરવાનું કામ કરનાર ઘણે ભાગે તો બાઈઓ જ હોય છે. આ એજંટે મને તેવું માણસ મેળવી આપવા મહેનત કરવાનું વચન આપ્યું. તેને મિસ ડિક નામે એક સ્કૉચ કુમારિકા હાથ લાગી. તે બાઈ તાજી જ સ્કૉટલૅન્ડથી આવી હતી. આ બાઈને પ્રામાણિક નોકરી જ્યાં મળે ત્યાં કરવામાં વાંધો નહોતો. તેને તો તુરત કામે વળગવું હતું. પેલા એજંટે આ બાઈને મારી પાસે મોકલી. તેને જોતાં જ મારી આંખ તેની ઉપર ઠરી.

તેને મેં પૂછ્યું, ’તમને હિંદીની નીચે કામ કરતાં અડચણ નથી ?’