આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ છાપું સાપ્તાહિક હતું, જેવું આજે પણ છે. પ્રથમ તો તે ગુજરાતી, હિંદી , તામિલ અને અંગ્રેજીમાં નીકળતું. પણ મેં જોયું કે તામિલ ને હિંદી વિભાગો નામના જ હતા. તેવાટે કોમની સેવા નહોતી થતી એમ મેં જોયું. તે વિભાગો રાખવામાં મને જૂઠનો આભાસ આવ્યો, તેથી તે વિભાગો બંધ કર્યા ને મેં શાંતિ મેળવી.

આ છાપામાં મારે કંઇ પૈસા રોકવા પડશે એવી મારી કલ્પના નહોતી. પણ થોડી મુદતમાં મેં જોયું કે જો હું પૈસા ન આપું તો છાપું ન જ ચાલે. છાપાનો હું અધિપતિ નહોતો, છતાં હું જ તેના લખાણને સારુ જવાબદાર હતો, એમ હિંદી ને ગોરા બંને જાણતા થઈ ગયા હતા. છાપું ન જ નીકળ્યું હોત તો અડચણ નહોતી, પણ કાઢયા પછી બંધ થાય તો તેમાં કોમની નામોશી થાય તેમ હતું ને કોમને નુકસાન થતું હતું એમ મને લાગ્યું.

હું તેમાં પૈસા રેડતો ગયો, ને છેવટે જેટલું બચતું હતું તે બધું તેમાં જ જતું એમ કહેવાય. એવો સમય મને યાદ છે કે જ્યારે મારે દર માસે ૭૫ પાઉંડ મોકલવા પડતા.

પણ આટલાં વર્ષો પછી મને લાગે છે કે એ એ છાપાએ કોમની સારી સેવા કરીછે. તેમાંથી પૈસા પેદા કરવાનો ઇરાદો તો કોઈનો નહોતો.

મારે હસ્તક હતું ત્યાં સુધીમાં એમાં થયેલા ફેરફારો મારી જિંદગીના ફેરફારો સૂચવનારા હતા. જેમ અત્યારે 'યંગ ઇન્ડિયા' અને 'નવજીવન મારા જીવનના કેટલાક ભાગનો નિચોડ છે તેમ 'ઇંડિયન ઓપીનિયન' હતું. તેમાં હું પ્રતિ સપ્તાહ મારો આત્મા રેડતો, ને હું જેને સત્યાગ્રહરૂપે ઓળખતો હતો તે સમજાવવા પ્રયત્ન કરતો. જેલના સમયો બાદ કરતાં દસ વર્ષો સુધીના, એટલે ૧૯૧૪ની સાલ સુધીના, 'ઈંડિયન ઓપીનિયન'ના એવા અંકો ભાગ્યે જ હશે જેમાં મેં કંઈ નહીં લખ્યું હોય. એમાં એક પણ શબ્દ મેં વગરવિચાર્યે, વગરતોળ્યે લખ્યો હોય, કે કોઈને કેવળ ખુશ જ કરવાને ખાતર લખ્યો હોય, કે જાણી જોઈને અતિશયોક્તિ કરી હોય એવું મને યાદ નથી. મારે સારું એ છાપું સંયમની તાલીમ થઈ પડ્યું હતું, મિત્રોને સારુ મારા વિચારો જાણવાનું વાહન થઈ પડ્યું હતું, ટીકાકારોને