આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેળવણી પામેલ, જાત મહેનતથી અનુભવની નિશાળમાં શીખેલ ને ઘડાયેલ , શુદ્ધ, સંયમી, ઈશ્વરથી ડરનાર, હિંમતવાન પરોપકારી અંગ્રેજ તરીકે મિ. વેસ્ટને હંમેશા ઓળખેલ છે. તેમનો અને તેમના કુટુંબનો પરિચય આપણને આ પ્રકરણોમાં હજુ વધારે થવાનો બાકી રહે છે.


૧૭. લોકેશનની હોળી

જોકે દરદીઓની સારવારમાંથી મારા સાથીઓ અને હું મુક્ત થયા તોપણ મરકીમાંથી ઉત્પન્ન થયેલાં બીજાં કામો તો માથે ઊભાં જ હતાં.

લોકેશનની સ્થિતિ વિષે મ્યુનિસિપાલિટી ભલે બેદરકાર હોય, પણ ગોરા શહેરીઓના આરોગ્યના વિષે તો તે ચોવીસે કલાક જાગ્રત હ્તી. તેમનું આરોગ્ય જાળવવા સારુ ખર્ચ કરવામાં તેણે કચાશ નહોતી રાખી, અને આ પ્રસંગે મરકીને આગળ વધતી અટકાવવા સારુ તો તેણે પાણીની જેમ પૈસા રેડ્યા. મેં મ્યુનિસિપાલિટીના હિંદીઓ પ્રત્યેના ઘણા દોષો જોયા હતા, છતાં ગોરાઓ માટેની આ કાળજીને સારુ મ્યુનિસિપાલિટીને માન આપ્યા વિના હું ન રહી શક્યો અને તેના આ શુભ પ્રયત્નમાં મારાથી જેટલી મદદ દઈ શકાય તેટલી મેં દીધી. હું માનું છું કે તે મદદ મેં ન દીધી હોત તો મ્યુનિસિપાલિટીને મુશ્કેલી પડત ને કદાચ તે બંદૂકબળનો ઉપયોગ કરત, કરતાં ન અચકાત, ને પોતાનું ધાર્યુ કરત.

પણ તેવું કંઈ ન થવા પામ્યું. હિંદીઓની વર્તણૂકથી મ્યુનિસિપાલિટીના અમલદારો રાજી થયા ને ત્યાર પછીનું કેટલુંક કામ સરળ થઈ પડ્યું. મ્યુનિસિપાલિટીની માગણીઓને વશ વર્તાવવામાં હિંદીઓની ઉપર મારી જેટલી અસર હતી તેટલી મેં વાપરી. એ બધું કરવું હિંદીઓને સારુ ઘણુ અઘરું હતું, પણ એક્કેએ મારું વચન ઉથાપ્યું હોય એવું મને સ્મરણ નથી.

લોકેશનની આસપાસ પહેરો બેઠો. તેમાંથી રજા વિના કોઈ નીકળી ન શકે, ન કોઈ તેમાં રજા વિના પેસી શકે. મારા સાથીઓને અને મને છૂટથી અંદર જવાના પરવાના આપ્યા હતા. મ્યુનિસિપાલિટીની મતલબ લોકેશનમાં રહેનાર બધાને ત્રણ અઠવાડિયાં લગી જોહાનિસબર્ગથી તેર માઈલ દૂર ખુલ્લા મેદાનમાં તંબૂ તાણી વસાવવામાં, ત્યાં ખોરાક