આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈત્યાદિ લઈ જવામાં કાંઈક દિવસ તો જાય જ. તે દરમ્યાન મજકૂર પહેરો ગોઠવવામાં આવ્યો.

લોકો ખૂબ ગભરાયા. પણ હું તેમને પડખે હોવાથી તેમને આશ્વાસન હતું. આમાંના ઘણા ગરીબો પોતાના પૈસા દાટી મેલતા. હવે તે ખસેડવા રહ્યા. તેમને બેંક ન મળે, બેંકને તેઓ ન જાણે. હું તેમની બેંક બન્યો. મારે ત્યાં પૈસાનો ઢગલો થયો. મારાથી આવે સમયે મહેનતાણું લેવાય તેમ તો નહોતું જ. અગવડે સગવડે આ કામને પહોંચી વળ્યો. અમારી બેંકના મેનેજરની સાથે મારે પરિચય હતો. ત્યાં ઘણા પૈસા મારે મૂકવા પડશે એ મેં તેમને જણાવ્યું. બેંકો તાંબાનાણું અને રૂપાનાણું બહુ લેવા તૈયાર નથી હોતી. વળી મરકીક્ષેત્રમાંથી આવતા પૈસાનો સ્પર્શ કરતાં મહેતાઓ આનાકાની કરે. એવો પણ સંભવ હતો. મેનેજરે મને બધી સગવડ કરી આપી. પૈસા જંતુનાશક પાણીમાં ધોઈ બેંકમાં મોકલવાનો ઠરાવ થયો. આમ લગભગ ૬૦,૦૦૦ પાઉંડ બેંકમાં મુકાયા એવું મને સ્મરણ છે. જેમની પાસે વધારે નાણાં હતા તેમને બાંધી મુદતને સારુ વ્યાજે મૂકવાની મેં અસીલોમાં સલાહ આપી. તે તે અસીલને નામે આમ કેટલાક પૈસા મુકાયા. આનું પરિણામ એ આવ્યુ કે તેમાંના કેટલાક બેંકમાં પૈસા રાખવા ટેવાયા. લોકેશનનિવાસીઓને કિલપસ્પ્રુટ ફાર્મ નામે જિહાનિસબર્ગની પાસે સ્થળ છે ત્યાં સ્પેશિયલ ટ્રેનમાં લઈ ગયા. અહીં તેમને સીધુંપાણી મ્યુનિસિપાલિટીએ પોતાને ખરચે પૂરું પાડ્યું. આ તંબૂના ગામનો દેખાવ સિપાઈઓની છાવણી જેવો હતો. લોકોને આમ રહેવાની ટેવ નહીં તેથી માનસિક દુ:ખ થયું, નવું નવું લાગ્યું, પણ ખાસ અગવડ ભોગવવી પડી નહીં. હું દરરોજ એક આંટો બાઈસિકલ ઉપર જતો. ત્રણ અઠવાડિયાં આમ ખુલ્લી હવામાં રહેવાથી લોકોના આરોગ્યમાં અવશ્ય સુધારો થયો. અને માનસિક દુ:ખ તો પહેલા ચોવીસ કલાક નહોતા વીત્યા ત્યાં જ ભુલાયું. એટલે પછી તેઓ આનંદથી રહેવા લાગ્યા. હું ત્યાં જાઉં ત્યારે તેમનાં ભજનકીર્તન, રમતગમત ચાલતાં જ હોય.

મને યાદ છે તે પ્રમાણે, જે દિવસે લોકેશન ખાલી કર્યુ તેને બીજે દહાડે તેની હોળી કરવામાં આવી. એક પણ વસ્તુ તેમાંથી બચાવી લેવાનો