આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાથે ગુજરાતીમાં જ વાતો કરતો.પોલાકને આ ન ગમતું. હું બાળકોના ભવિષ્યને બગાડું છું એવી તેમની દલીલ હતી. અંગ્રેજી જેવી વ્યાપક ભાષા બાળકો બચપણથી શીખી લે તો જગતમાં એમ ચાલતી જિંદગીની હરીફાઈમાં તેઓ એક મોટો ટપ્પો સહેજે ઓળંગી જાય, એમ તે મને આગ્રહ અને પ્રેમપૂર્વક સમજાવે. મને એ દલીલ ગળે ન ઊતરી. હવે મને સ્મરણ નથી કે અંતે મારો ઉત્તર તેમને ગળે ઊતરેલો કે તેમણે મારી હઠ જોઈને શાંતિ પકડેલી. આ સંવાદને લગભગ વીસ વર્ષ થયા. છતાં મારા આ વિચારો જે મેં તે વેળા ધરાવેલા તે જ અનુભવે વધારે દઢ થયા છે. અને જોકે મારા પુત્રો અક્ષરજ્ઞાનમાં કાચા રહી ગયા છે, છતાં માતૃભાષાનું સામાન્ય જ્ઞાન સહેજે પામી શક્યા તેથી તેમણે અને દેશને લાભ જ થયો છે ને અત્યારે તેઓ પરદેશી જેવા નથી થઇ રહ્યા. તેઓ દ્વિભાષિયા તો સહેજે થયા, કેમ કે મોટા અંગ્રેજ મિત્રમંડળના સહવાસમાં આવવાથી ને જ્યાં વિશેષ અંગ્રેજી બોલવામાં આવે એવા દેશમાં રહેવાથી અંગ્રેજી બોલતા ને સામાન્ય લખતા થઇ ગયા.


૨૪. ઝૂલુ ‘બળવો’

ઘર માંડીને બેઠા પછી સ્થિર થઈને બેસવાપણું મારે નસીબે રહ્યું જ નથી. જોહાનિસબર્ગમાં હું થાળે પાડ્યા જેવું લાગ્યું તેવી જ અણધારી બિના બની. નાતાલમાં ઝૂલુ 'બળવો' થયાના સમાચાર વાંચ્યા. મને કંઈ ઝુલુ લોકો સાથે વેર નહોતું; તેમણે એક પણ હિંદીનું નુકસાન નહોતું કર્યું. 'બળવા' ની યોગ્યતા વિશે પણ મને શંકા હતી. પણ અંગ્રેજી સલ્તનતને તે કાળે હું જગતનું કલ્યાણ કરનારી સલ્તનત માનતો. મારી વફાદારી હાર્દિક હતી. તે સલ્તનતનો ક્ષય હું ન ઈચ્છતો. એટલે બળ વાપરવા વિશેની નીતિઅનીતિનો વિચાર મારા પગલામાં મને રોકે તેમ નહોતું. નાતાલ ઉપર આપત્તિ આવે તો તેની પાસે રક્ષણને સારુ સ્વયંસેવકોનું લશ્કર હતું. ને આપત્તિ વેળાએ તેમાં કામ પૂરતી ભરતી પણ થાય. મેં વાંચ્યું કે સ્વયંસેવકોનું લશ્કર આ બળવો શમાવવા નીકળી પડ્યું હતું.

મને પોતાને હું નાતાલવાસી ગણતો, ને નાતાલની સાથે મારો નિકટ સંબંધ તો હતો જ. તેથી મેં ગવર્નરને કાગળ લખ્યો કે, જો જરૂર હોત