આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિષેના માર વિચારો સ્વતંત્રપણે ઘડાઈ ચૂક્યા હતા. કસ્તૂરબાઈની શ્રદ્ધા કામ કરી રહી હતી. તે બિચારી શસ્ત્રના પ્રમાણ શું જાણે? તેને સારુ બાપદાદાની રૂઢિ ધર્મ હતો. બાળકોને બાપના ધર્મ ઉપર વિશ્વાસ હતો, તેથી તેઓ સ્વામી સાથે વિનોદ કરતા હતા. અંતે કસ્તૂરબાઈએ આ સંવાદ આમ કહી બંધ કર્યો:

'સ્વામીજી, તમે ગમે તેમ કહો પણ મારે માંસનો સેરવો ખાઈને સાજાં નથી થવું. હવે તમે મારું માથું ન દુખાવો તો તમારો પાડ. બાકી વાતો તમે છોકરાઓના બાપની સાથે પાછળથી અક્રવી હોય તો કરજો. મેં મારો નિશ્ચય તમને જણાવી દીધો.'

૨૯. ઘરમાં સત્યાગ્રહ

પહેલો જેલનો અનુભવ મને ૧૯૦૮માં થયો. તે દરમ્યાન મેં જોયું કે જેલમાં જે કેટલાક નિયમો કેદીઓ પાસે પળાવવામાં આવતા હતા તે નિયમો સંયમીએ અથવા બ્રહ્મચારીએ સ્વેચ્છાએ પાળવા જોઈએ. [૧] જેમ કે, કેદીઓએ સૂર્યાસ્ત પહેલાં પાંચ વાગ્યા સુધીમાં ખાઈ લેવું. તેમને—હિંદીઓ તેમજ હબસી કેદીઓને—ચા કે કૉફી ન મળે, મીઠું ખાવું હોય તે નોખું લે. સ્વાદને સારુ તો કંઈ ખવાય જ નહીં. જ્યારે મેં જેલના દાક્તરની પાસે હિંદીઓને સારુ ’કરી પાઉડર’ની માગણી કરી અને મીઠું રસોઈમાં પકાવતી વેળાએ જ નાખવા કહ્યું ત્યારે તે બોલ્યા, ’અહીં તમે લોકો સ્વાદ કરવા નથી આવ્યા. આરોગ્યની દૃષ્ટિએ ’કરી પાવડર’ની કશી જરૂર નથી. અરોગ્યની દૃષ્ટિએ મીઠું ઉપર લો કે પકાવતી વેળા રસોઈમાં નાખો બન્ને એક જ વસ્તુ છે.’

ત્યાં તો મહામહેનતે અમે અંતે જોઈતો ફેરફાર કરાવી શક્યા હતા, પણ કેવળ સંયમની દૃષ્ટિએ વિચારતાં તો બન્ને પ્રતિબંધો રૂડા જ હતા. પરાણે મુકાયેલો આવો પ્રતિબંધ ન પળે, પણ સ્વેચ્છાએ પાલન કરેલો આવો પ્રતિબંધ બહુ ઉપયોગી થઈ પડે. તેથી જેલમાંથી નીકળ્યા બાદ

  1. મારા જેલના અનુભવો પણ પુસ્તકાકારે બહાર પડી ચૂક્યા છે. મૂળ ગુજરાતીમાં લખાયા હતા અને તે જ અંગ્રેજીમાં બહાર પડ્યા છે. મને ખ્યાલ છે ત્યાં સુધી બંને મળી શકે છે.