આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નવયુવકો હતા, અને થોડી હિंદુ બાળાઓ પણ હતી. ખાસ શિક્ષકો રાખવા અશકય હતું. અને મને અનાવશ્યક લાગેલું. અશકય હતું કેમ કે યોગ્ય હિદી શિક્ષકોની અછત હતી, અને મળે તોયે મોટા પગાર વિના ડરબનથી[૧] ૨૧ માઇલ દૂર કોણ આવે ? મારી પાસે પૈસાની છોળ નહોતી. બહારથી શિક્ષક લાવવા અનાવશ્યક માન્યું, કેમ કે ચાલુ કેળવણીની પદ્ધતિ મને પસંદ નહોતી. ખરી પદ્ધતિ શી છે તેનો મેં અનુભવ નહોતો મેળવી જોયો. એટલું સમજતો હતો કે, આદર્શ સ્થિતિમાં ખરી કેળવણી તો માબાપની નીચે જ હોય. આદર્શ સ્થિતિમાં બાહ્ય મદદ ઓછામાં ઓછી હોવી જોઇએ. ટૉલ્સ્ટૉય આશ્રમ એક કુટુંબ છે અને તેમાં પિતારૂપે હું છું, એટલે મારે એ નવયુવકોના ધડતરની જવાબદારી યથાશક્તિ ખેડવી જોઇએ એમ ધાર્યું.

આ કલ્પનામાં ઘણા દોષો તો હતા જ. નવયુવકો મારી પાસે જન્મથી નહોતા. બધા જુદાં જુદાં વાતાવરણોમાં ઊછર્યા હતા. બધા એક જ ધર્મના પણ નહોતા. અવી સ્થિતિમાં રહેલ બાળકો અને બાળાઓને હું પિતા બનીને પણ કેમ ન્યાય આપી શકું?

પણ મેં હ્રદયની કેળવણીને એટલે ચારિત્ર ખીલવવાને હમેશાં પ્રથમ પદ આપ્યું છે. પરિચય ગમે તે વયે અને ગમે તેટલી જાતનાં વાતાવરણોમાં ઊછરેલાં બાળકો અને બાળાઓને ઓછાવતા પ્રમાણમાં આપી શકાય, એમ વિચારી આ બાળકો ને બાળાઓની સાથે હું રાત અને દિવસ પિતારૂપે રહેતો હતો. ચારિત્રને મેં તેમની કેળવણીના પાયારૂપે માન્યું. પાયો પાકો થાય તો બીજું બળકો અવકાશ મળ્યે મદદ લયને કે આપબળે મેળવી લે.

છતાં અક્ષરજ્ઞાન થોડુંઘણું પણ આપવું તો જોઇએ જ એમ હું સમજતો હતો, તેથી વર્ગો કાઢયા, ને તેમાં મિ. કેલનબેકની અને પ્રાગજી દેસાઈની મદદ લીધી.

શારીરિક કેળવણીની આવશ્યકતા સમજતો હતો. તે કેળવણી તેમને

  1. (૧)અહીં ‘ડરબનથી’ ને બદલે જોહાનિસબર્ગથી જોઈએ. અત્યાર સુધીની ગુજરાતી આવૃત્તિમાં આ ભૂલ ચાલતી આવી છે. પહેલેથી અંગ્રેજી તરજુમામાં એ શ્રી મહાદેવભાઈ સુધારી લીધી હતી.