આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આફ્રિકામાં પામતાં તે કેવળ પ્રાથમિક અક્ષરજ્ઞાનની જ હતી. ટૉલ્સ્ટૉય આશ્રમમાં પ્રથમથી જ રિવાજ પાડયો હતો કે, જે કામ અમે શિક્ષકો ન કરીએ તે બળકોની પાસે ન કરાવવું, ને હમેશાં તેમની સાથે સાથે એ જ કામ કરનાર એક શિક્ષક હોય. એટલે બાળકો હોંશથી શીખ્યાં.

ચારિત્ર અને અક્ષરજ્ઞાનને વિષે હવે પછી.


૩૩. અક્ષરકેળવણી

ગાંધી ગયા પ્રકરણમાં શારીરિક કેળવણી અને તેને અંગે કંઈક હાથકારીગરી શીખવવાનું કામ ટૉલ્સ્ટૉય આશ્રમમાં કેવી રીતે આરંભ્યું એ આપણે કેટલેક અંશે જોઈ ગયા. જોકે આ કામ મને સંતોષ થાય તેવી રીતે તો નહોતો જ કરી શક્યો. છતાં તેમાં ઓછીવત્તી સફળતા મળી હતી. પણ અક્ષરજ્ઞાન આપવું કઠિન લાગ્યું. મારી પાસે તેને પહોંચી વળવાની સામગ્રી નહોતી. મને પોતાને હું ઇચ્છું તેટલો વખત નહોતો, તેટલી આવડત નહોતી. આખા દહાડાના શારીરિક કામ કરતાં હું થાકી જતો, ને જે વખતે જરા આરામ લેવાની ઇચ્છા થાય તે જ વખતે વર્ગ લેવાનો રહેતો. તેથી હું તાજો હોવાને બદલે બળાત્કારે જાગ્રત રહી શકતો હતો. સવારનો વખત ખેતી અને ઘરકામમાં જતો, એટલે બપોરના જમ્યા પછી તુરત નિશાળ ચાલતી. આ સિવાય બીજો કોઈ પણ વખત અનુકૂળ નહોતો.

અક્ષરજ્ઞાનને સારુ વધારેમાં વધારે ત્રણ કલાક રાખ્યા હતા. વળી વર્ગમાં હિંદી, તામિલ, ગુજરાતી અને ઉર્દૂ શીખવવાનાં રહેતાં. શિક્ષન પ્રત્યેક બાલકને તેની માતૃભાષા મારફતે જ આપવાનો આગ્રહ હતો. અંગ્રેજી પણ બધાને શીખવવામાં આવતું જ. ઉપરાંત ગુજરાતી, હિંદુ બાળકોને કંઈક સંસ્કૃતનો અને સૌને કંઈક હિંદીનો પરિચય કરાવવો, ઇતિહાસ, ભૂગોળ અને અંકગણિત બધાંને શીખવવું, આટલો ક્રમ હતો. તામિલ અને ઉર્દૂ શિક્ષણ આપવાનું મારી પાસે હતું.

મારું તામિલ જ્ઞાન તે સ્ટીમરોમાં ને જેલમાં મેળવેલું. તેમાં પણ પોપકૃત ઉત્તમ ’તામિલ-સ્વયંશિક્ષક’થી આગળ હું વધી શક્યો નહોતો. ઉર્દૂ લિપિનું જ્ઞાન સ્ટીમરોમાં મેળવેલું તે જ; ને ખાસ ફારસી અરબી શબ્દોનું જ્ઞાન જેટલું મુસલમાન મિત્રોના પરિચયથી મેળવી શકેલો તેટલું ! સંસ્કૃત