આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમના નિર્મળ પ્રેમને હું રોકી ન શક્યો. આ નિશ્ચય કર્યો કે તુરત હું હળવો થયો, શાંત થયો, દોષિત ઉપરનો ક્રોધ ઊતર્યો, ને તેમની ઉપર દયા જ રહી.

આમ ટ્રેનમાં જ હળવું મન કરી હું ફિનિક્સ પહોંચ્યો. તપાસ કરી વધારે જાણવાનું હતું તે જાણી લીધું. જોકે મારા ઉપવાસથી સૌને કષ્ટ તો થયું, પણ તેથી વાતાવરણ શુદ્ધ થયું. પાપ કરવાની ભયંકરતા સહુને જણાઈ, અને વિદ્યાર્થી તેમ જ વિદ્યાર્થિનીઓ અને મારી વચ્ચેનો સંબંધ વધારે મજબૂત અને સરળ થયો.

આ બનાવમાંથી જ થોડા સમય પછી મારે ચૌદ ઉપવાસ કરવાનો સમય આવેલો. તેનું પરિણામ ધાર્યા કરતાં પણ વધારે સારું આવ્યું એવી મારી માન્યતા છે.

આ બનાવ ઉપરથી મારો એવું સિદ્ધ કરવાનો આશય નથી કે શિષ્યોના પ્રત્યેક દોષને સારુ હમેશાં શિક્ષકોએ ઉપવાસાદિ કરવાં જ જોઈએ. પણ હું માનું છું કે કેટલાક સંજોગોમાં આવા પ્રાયશ્ચિત્તરૂપ ઉપવાસને અવશ્ય સ્થાન છે. પણ તેને સારુ વિવેક અને અધિકાર જોઈએ. જ્યાં શિક્ષકશિષ્ય વચ્ચે શુદ્ધ પ્રેમબંધન નથી, જ્યાં શિક્ષકને પોતાના શિષ્યના દોષનો ખરો આઘાત નથી, જ્યાં શિષ્યને શિક્ષક પ્રત્યે આદર નથી, ત્યાં ઉપવાસ નિરર્થક છે અને કદાચ હાનિકર પણ થાય. પણ આવાં ઉપવાસએકટાણાંને ચિશે ભલે શંકા હોય, પરંતુ શિક્ષક શિષ્યના દોષોને સારુ થોડેઘણે અંશે જવાબદાર છે એ વિશે મને લેશ પણ શંકા નથી.

સાત ઉપવાસ અને એકટાણાં અમને કોઈને વસમાં ન લાગ્યાં. તે દરમિયાન મારું કંઈ પણ કામ બંધ કે મંદ નહોતું થયું. આ કાળે હું કેવળ ફળાહારી જ હતો. ચૌદ ઉપવાસનો છેલ્લો ભાગ મને સારી પેઠે વસમો લાગ્યો હતો. તે વેળા રામનામનો ચમત્કાર હું પૂરો સમજ્યો નહોતો, એટલે દુ:ખ સહન કરવાની શક્તિ ઓછી હતી. ઉપવાસ દરમિયાન ગમે તેવે પ્રયત્ને પણ પાણી પીવું જોઈએ એ બાહ્ય કળાની મને માહિતી નહોતી, તેથી પણ આ ઉપવાસ ભારે પડ્યા. વળી પહેલા ઉપવાસ સુખશાંતિથી ગયા હતા તેથી ચૌદ ઉપવાસ વખતે બેદરકાર રહ્યો હતો. પહેલા ઉપવસ વખતે હમેશાં ક્યુનીનાં કટિસ્નાન કરતો. ચૌદ ઉપવાસમાં બે કે