આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્રણ દિવસ પછી તે બંધ કર્યાં. પાણીનો સ્વાદ જ નહોતો ગમતો ને તે લેતાં મોળ આવતી હતી તેથી પાણી ઘણું જ થોડું પીતો. આથી ગળું સુકાયું, ક્ષીણ થયું, ને છેવટના દિવસોમાં કેવળ ધીમે સાદે જ બોલી શકતો. આમ છતાં લખાવવાનું આવશ્યક કામ છેલ્લા દિવસ સુધી કરી શક્યો હતો, ને રામાયણ ઇત્યાદિ છેવટ લગી સાંભળતો. કંઈ પ્રશ્નો વિશે અભિપ્રાયો આપવાનું આવશ્યક કાર્ય પણ કરી શકતો હતો.


૩૭. ગોખલેને મળવા

દક્ષિણ આફ્રિકાનાં ઘણાં સ્મરણો હવે મૂકવાં પડે છે. સન ૧૯૧૪માં જ્યારે સત્યાગ્રહની લડતનો અંત આવ્યો ત્યારે ગોખલેની ઇચ્છાથી મારે ઇંગ્લંડ થઈને દેશ જવાનું હતું. તેથી જુલાઈ માસમાં કસ્તૂરબાઈ, કૅલનબૅક અને હું એમ ત્રણ જણ વિલાયત જવા ઉપડ્યા. સત્યાગ્રહની લડાઈ દરમિયાન મેં ત્રીજા વર્ગની મુસાફરી શરુ કરી હતી, તેથી દરિયારસ્તે પણ ત્રીજા વર્ગની ટિકિટ કપાવી. પણ આ ત્રીજા વર્ગમાં ને આપણા ત્રીજા વર્ગમાં ઘણો તફાવત છે. આપણામાં સૂવાબેસવાની જગ્યા પણ માંડ મળે છે. સ્વચ્છતા તો હોય જ શાની ? જ્યારે પેલામાં જગ્યા યોગ્ય પ્રમાણમાં હતી, ને સ્વચ્છતા સારી જળવાતી હતી. કંપનીએ અમારે સારુ વધારે સગવડ પણ કરી આપી હતી. કોઈ અમને પજવે નહીં તેટલા સારુ એક જાજરૂને ખાસ તાળું કરાવી તેની ચાવી અમને સોંપવામાં આવી હતી, ને અમે ત્રણે ફળાહારી હોઈ અમ્ને સૂકાં લીલાં ફળ પણ પૂરાં પાડવાની આજ્ઞા સ્ટીમરના ખજાનચીને આપવામાં આવી હતી. સામાન્ય રીતે ત્રીજા વર્ગના ઉતારુને ફળો ઓછાં મળે છે, સૂકો મેવો મુદ્દલ નહીં. આ સગવડોને લીધે અમે બહુ શાંતિથી દરિયાના અઢાર દહાડા કાપ્યા.

આ મુસાફરીનાં કેટલાંક સ્મરણો બહુ જાણવા જેવાં છે. મિ. કૅલનબૅકને દૂરબીનોનો સારો શોખ હતો. એકબે કીમતી દૂરબીનો તેમણે રાખ્યાં હતાં. આ વિશે અમારી વચ્ચે રોજ સંવાદો થાય. અમારા આદર્શને, અમે જે સાદાઈને પહોંચવા ઇચ્છતા હતા તેને આ અનુકૂળ નથી એમ હું સમજાવવા પ્રયત્ન કરતો. એક દહાડો અમારી વચ્ચે આની તીખી તકરાર થઈ. અમે બંને અમારી કેબિનની બારી પાસે ઊભા હતા.