આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભાગ લીધાનું મિત્રો જાણતા હતા, તોપણ તેમણે માની લીધેલું કે ત્યાર બાદ મારા વિચારોમાં ફેરફાર થયો હશે.

હકીકતમાં જે વિચારશ્રેણીને વશ થઈ હું બોઅર યુદ્ધમાં પડ્યો હતો તેનો જ ઉપયોગ પણ આ વેળા કર્યો હતો. યુદ્ધમાં ભાગ લેવો એ અહિંસાની સાથે ગડ બેસે તેવું નથી એ હું બરાબર જોતો હતો. પણ કર્તવ્યનું ભાન થવું એ હમેશાં દીવા જેવું સ્પષ્ટ નથી હોતું. સત્યના પૂજાને ઘણી વેળા ગોથાં ખાવાં પડે છે.

અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હોળી વચ્ચે સપડાયેલા આપણે પામર પ્રાણી છીએ. 'જીવ જીવની ઉપર જીવે છે,' એ ખોટું વાક્ય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના જીવી નથી શકતો. ખાતાંપીતાં, બેસતાંઊઠતાં, બધી ક્રિયાઓમાં, ઈચ્છાઅનિચ્છાએ કઈંક હિંસા તે કર્યા જ કરે છે. તે હિંસામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો પણ નાશ ન ઈચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે તો તે અહિંસાનો પૂજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ હશે. તેનામાં નિરંતર કરુણા વધતી હશે. પણ કોઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે.

વળી અહિંસાના પડમાં જ અદ્વૈતભાવના રહેલી છે. અને જો પ્રાણીમાત્રનો અભેદ હોય તો એકના પાપની અસર બીજાની ઉપર થાય છે, તેથી મનુષ્ય હિંસાથી કેવળ અસ્પૃષ્ટ નથી રહી શકતો. સમાજમાં રહેલો મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જ્યારે બે પ્રજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યક્તિનો ધર્મ તે યુદ્ધને અટકાવવાનો છે. તે ધર્મનું જે પાલન ન કરી શકે , જેનામાં વિરોધ કરવાની શક્તિ ન હોય, જેને વિરોધ કરવાનો અધિકાર પ્રાપ્ત ન થયો હોય, તે યુદ્ધકાર્યમાં ભળે; અને ભળતો છતો તેમાંથી પોતાને અને પોતાના દેશને તેમ જ જગતને ઉગારવાની હાર્દિક કોશિશ કરે.

મારે અંગ્રેજી રાજ્ય મારફતે મારી એટલે મારી પ્રજાની સ્થિતિ સુધારવી હતી. હું ઇંગ્લંડમાં બેઠો ઇંગ્લંડના કાફલાથી સુરક્ષિત હતો. તે બળનો હું આમ ઉપયોગ કરી તેનામાં રહેલી હિંસકતામાં સીધી રીતે