આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૪૦. સત્યાગ્રહનું છમકલું

આમ ધર્મ સમજીને હું યુદ્ધમાં પડ્યો તો ખરો, પણ મારે નસીબે તેમાં સીધો ભાગ લેવાનું ન આવ્યું એટલું જ નહીં, પણ આવે નાજુક વખતે સત્યાગ્રહ કરવાનું ય આવી પડ્યું.

જ્યારે અમારાં નામો મંજુર થયાં ને નોંધાયા ત્યારે અમને પૂરી કવાયત આપવાને સારુ એક અમલદારને નીમવામાં આવ્યાનું હું લખી ચૂક્યો છું. અમારી બધાની સમજ એવી હતી કે, આ અમલદાર યુદ્ધની તાલીમ આપવા પૂરતા અમારા મુખી હતા, બીજી બધી બાબતોમાં ટુકડીનો મુખી હું હતો. મારા સાથીઓ પ્રત્યે જવાબદારી મારી હતી, ને તેમની માર પ્રત્યે; એટલે કે મારી મારફતે અમલદારે બધું કામ લેવું જોઈએ એવી અમારી સમજ હતી. પણ પુત્રના પગ પારણેથી વરતાય, તેમ અમલદારની આંખ અમે પહેલે જ દહાડેથી જુદી રીતે ઓળખવા લાગ્યા. સોરાબજી બહુ શાણા હતા. તેમણે મને ચેતવ્યો: 'ભાઈ જોજો. આ માણસ એમની જહાંગીરી ચલાવવા માગતા જણાય છે. અમારે તેમના હુકમ ન જોઈએ. અમે એમને શિક્ષક માનીએ છીએ. પણ પેલા જુવાનિયા આવ્યાછે તે પણ અમારી ઉપર હુકમ કરવા આવ્યા હોય એમ હું જોઉં છું'. આ જુવાનો ઑક્સફર્ડના વિદ્યાર્થીઓ હતા ને શીખવવાને સારુ આવ્યા હતા. અને તેમને વડા અમલદારે અમારા પેટાઉપરીઓ તરીકે નીમ્યા હતા. હું પણ સોરાબજીએ કહેલું જોઈ ગયો હતો. મેં સોરાબજીને સાંત્વન આપ્યું ને ફિકર ન કરવા કહ્યું. પણ સોરાબજી ઝટ માને તેવા નહોતા.

'તમે ભોળા છો. આ લોકો મીઠું મીઠું બોલીને તમને છેતરશે, ને પછી જ્યારે તમારી આંખ ઊઘડશે ત્યારે તમે કહેશો: ચાલો સત્યાગ્રહ કરીએ, ને પછી અમને ખુવાર કરશો,' સોરાબજી હસતાં હસતાં બોલ્યા.

મેં જવાબ વાળ્યો : 'મારો સાથ કરવામાં ખુવારી સિવાય તમે બીજું કોઈ દહાડો ક્યાં અનુભવ્યું છે? અને સત્યાગ્રહી તો છેતરાવાને જ જન્મે છે ના? એટલે ભલે આ સાહેબ અને છેતરે. તમને મેં હજારો વાર નથી કહ્યું કે છેવટ તો છેતરનાર જ છેતરાય છે ?'

સોરાબજી ખડખડાટ હસી પડ્યા: 'સારું, ત્યારે છેતરાયા કરો. કોક