આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દહાડો સત્યાગ્રહમાં મરશો, ને તમારી પાછળ અમારા જેવાને લઈ જશો'.

આ શબ્દોનું સ્મરણ કરતાં મહૂમ મિસ હૉબહાઉસે અસહકારના પ્રસંગે મને લખેલા બોલ યાદ આવે છે: 'તમારે સત્યને ખાતર કોક દહાડો ફાંસીએ ચઢવું પડે તો મને આશ્ચર્ય નહીં થાય. ઈશ્વર તમને સીધે રસ્તે જ દોરો ને તમારી રક્ષા કરો.'

સોરાબજી સાથેની ઉપલી વાત તો અમલદાર ગાદીનશીન થયા પછીના આરંભકાળમાં થયેલી; આરંભ અને અંત વચ્ચેનું અંતર થોડા દિવસનું જ હતું. પણ તે દરમિયાન મને પસલીઓનો સખત વરમ ઊપડી આવ્યો. ચૌદ દિવસના ઉપવાસ પછી મારું શરીર્ બરોબર બંધાયું તો નહોતું જ, પણ કવાયતમાં મેં પૂરો ભાગ લેવા માંડ્યો હતો, અને ઘણી વેળા ઘેરથી કવાયતની જગ્યાએ ચાલીને જતો. તે અંતર બે માઈલનું તો ખરું જ. આને અંગે છેવટે મારે ખાટલાનું સેવન કરવું પડ્યું.

મારી આ સ્થિતિમાં અમારે કૅમ્પમાં જવાનું હતું. બીજાઓ ત્યાં રહેતા ને હું સાંજે પાછો ઘેર આવતો. અહીં સત્યાગ્રહનો પ્રસંગ ઊભો થયો. અમલદારે પોતાનો અમલ ભજવ્યો. તેમણે સ્પષ્ટ સંભળાવ્યું કે બધી બાબતોમાં તે અમારા મુખી છે. પોતાની મુખત્યારીના બેચાર પદાર્થપાઠો પણ અમને ભણાવ્યા. સોરાબજી મારી પાસે પહોંચ્યા. તે આ જહાંગીરી સાંખવા તૈયાર નહોતા. તેમણે કહ્યું: 'બધા હુકમો તમારી મારફત જ મળવા જોઈએ. અત્યારે તો આપણે તાલીમી છાવણીમાં છીએ, અને દરેક બાબતમાં બેહૂદા હુકમો નીકળે છે. પેલાજુવાનો અને અમારી વચ્ચે ઘણી બાબતોમાં ભેદ રાખવામાં આવે છે. આ સહ્યું જાય તેમ નથી. આની ચોખવટ તુરત જ થવી જોઈએ, નહીં તો આપણું કામ ભાંગી પડવાનું છે. આ બધા વિદ્યાર્થીઓ અને બીજા જે આ કામમાં જોડાયા છે તે એક પણ બેહૂદો હુકમ સાંખવાના નથી. સ્વમાન સંગ્રહ કરવા ઉપાડેલા કામમાં અપમાન જ સહન કરવાં એ નહીં બને.'

હું અમલદારની પાસે ગયો, મારી પાસે આવેલી બધી ફરિયાદો તેમને સંભળાવી. તેમણે એક કાગળ લખી મને ફરિયાદો લેખી રીતે જણાવવા કહ્યું, અને સાથે પોતાના અધિકારની વાત કરી. તેમણે જણાવ્યું : 'ફરિયાદ તમારી મારફતે ન થાય, ફરિયાદ તો પેટાઉપરીઓ