આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારફતે મને સીધી જ કરવી જોઈએ.'

મેં જવાબમાં જણાવ્યું: 'મારે અધિકાર નથી ભોગવવો. લશ્કરી રીતે હું તો સામાન્ય સિપાહી જ કહેવાઉં: પણ અમારી ટુકડીના મુખી તરીકે તમારે મને તેમના પ્રતિનિધિ તરીકે સ્વીકારવો જોઈએ.' મેં મારી પાસે આવેલી ફરિયાદો પણ જણાવી.: 'પેટાઉપરીઓ અમારી તુકડીને પૂછ્યા વિના નીમવામાં આવ્યા છે, અને તેમને વિશે ઘણો અસંતોષ ફેલાયો છે; એટલે તેમેને ખસેડવામાં આવે, અને ટુકડીને પોતાના ઉપરીઓ ચૂંટવાનો અધિકાર આપવામાં આવે.'

આ વાત એમને ગળે ન ઊતરી. એમણે મને સંભળાવ્યું કે આ ઉપરીઓને ટુકડી ચૂંટે એ વાત જ લશ્કરી નિયમની વિરુદ્ધ છે, અને એ ઉપરીઓને ખસેડવામાં આવે તો આજ્ઞાપાલનનું નામનિશાન ન રહે.

અમે સભા ભરી. સત્યાગ્રહનાં ગંભીર ઓઅરિણામો સંભળાવ્યાં. લગભગ બધાએ સત્યાગ્રહના શપથ લીધા. અમારી સભાએ એવો ઠરાવ કર્યો કે, હાલના ઉપરીઓ ન ખસેડવામાં આવે અને ટુકડીને નવા ઉપરીઓ ન પસંદ કરવા દેવામાં આવે, તો અમારી ટુકડી કવાયતમાં જવાનું અને કૅમ્પમાં જવાનું બંધ કરશે.

મેં અમલદારને એક કાગળ લખી મારો સખત અસંતોષ જાહેરે કર્યો, અને જણાવ્યું કે મારે અધિકાર નથી ભોગવવો, મારે તો સેવા કરવી છે, અને આ કામ સાંગોપાંગ ઉતારવું છે. મેં તેમને એ પણ જણાવ્યું કે, બોઅર યુદ્ધમાં મેં અધિકાર કશો ભોગવ્યો નહોતો, છતાં કર્નલ ગેલવે અને અમારી ટુકડી વચ્ચે કદી કાંઈ તકરારનો પ્રસંગ આવ્યો નહોતો, અને તે અમલદાર મારી ટુકડીની ઇચ્છા મારી મારફતે જાણીને જ બધી વસ્તુ કરતા. મારા કાગળ સાથે અમારી ટુકડીએ કરેલા એક ઠરાવની નકલ મોકલી.

અમલદારની ઉપર આની કોઈ અસર ન થઈ. તેમને તો લાગ્યું કે અમારી ટુકડીએ સભા ભરીને ઠરાવ કર્યો એ જ લશ્કરી નિયમનો ગંભીર ભંગ હતો.

આ પછી મેં હિંદી વજીરને એક કાગળ લખીને બધી હકીકત જણાવી અમારી સભાનો ઠરાવ મોકલ્યો.

હિંદી વજીરે મને જવાબમાં જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાની સ્થિતિ જુદી હતી; અહીં તો ટ્કડીના વડા અમલદારને પેટાઉપરીઓ નીમવાનો હક્ક છે, છતાં ભવિષ્યમાં તે અમલદાર તમારી ભલામણ ધ્યાનમાં લેશે.

આ પછી તો અમારે ઘણો પત્રવ્યવહાર થયો, પણ બધા કડવા અનુભવો આપી આ પ્રકરણ લંબાવવા નથી ઇચ્છતો.