આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જવાનો સમય આવ્યો હતો. અને કદાચ તેમણે જાતમહેનતથી બાંધેલો માળો વીંખાઈ જાય તો ?

તે બોલ્યા: 'મેં તમને કહ્યું છે કે મારું માથું તમારે ખોળે છે. તમારે જેમ કરવું હોય તેમ કરો.'

મેં આ કેસમાં મારી બધી વિનયની શક્તિ રેડી. હું અમલદારને મળ્યો. બધી ચોરીની વાત નિર્ભયપણે તેને કહી. ચોપડા બધા બતાવવા કહ્યું ને પારસી રુસ્તમજીના પશ્ચાત્તાપની વાત પણ કરી.

અમલદારે કહ્યું: 'હું એ પુરાણા પારસીને ચાહું છું. તેણે મુર્ખાઈ તો કરી છે. પણ મારો ધર્મ તો તમે જાણો છો. મારે તો વડા વકીલ કહે તેમ કરવું રહ્યું. એટલે તમારી સમજાવવાની શક્તિનો ઉપયોગ તમારે તેમની સાથે કરવો રહ્યો.'

'પારસી રુસ્તમજીને અદાલતમાં ઘસડી જવાનું દબાણ ન થાય તો મને સંતોષ છે,' મેં કહ્યું.

આ અમલદારની પાસેથી અભયદાન મેળવી મેં સરકારી વકીલ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમને મળ્યો. મારે કહેવું જોઈએ કે મારી સત્યપ્રિયતા તે જોઈ ગયા. હું કાંઈ નહોતો છુપાવતો એમ તેમની પાસે સિદ્ધ કરી શક્યો.

આ કે કોઈ બીજા કેસમાં તેમના પ્રસંગમાં આવતાં તેમણે મને પ્રમાણપત્ર આપ્યું: 'હું જોઉં છું કે તમે 'ના'નો જવાબ લેવાના જ નહીં.'

રુસ્તમજી ઉપર કેસ ન ચાલ્યો. તેમણે કબૂલ કરેલી દાણચોરીનાં બમણાં નાણાં લઈ કેસ માંડી વાળવાનો હુકમ કાઢ્યો.

રુસ્તમજીએ પોતાની દાણચોરીનો કિસ્સો લખી કાચમાં જડાવ્યો, તે પોતાની ઑફિસમાં ટાંગી તેમના વારસો ને સાથી વેપારીઓને ચેતવણી આપી.

રુસ્તમજી શેઠના વેપારી મિત્રોએ મને ચેતવ્યો: 'આ ખરો વૈરાગ્ય નથી, સ્મશાનવૈરાગ્ય છે.'

આમાં કેટલું સત્ય હશે એ હું નથી જાણતો.

આ વાત પણ મેં રુસ્તમજી શેઠને કરી હતી. તેમનો જવાબ આ હતો: 'તમને છેતરીને હું ક્યાં જઈશ ?'