આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને એમણે પિતાજીની ઉત્તરાવસ્‍થામાં તેવી શસ્‍ત્રક્રિયા નાપસંદ કરી. અનેક પ્રકારની બાટલીઓ લીધેલી વ્‍યર્થ ગઇ અને શસ્‍ત્રક્રિયા ન થઇ. વૈદ્યરાજ બાહોશ, નામાંકિત હતા. મને લાગે છે કે જો તેમણે શસ્‍ત્રક્રિયા થવા દીધી હોત તો ઘા રુઝાવામાં અડચણ ન આવત. શસ્‍ત્રક્રિયા મુંબઇના તે સમયના પ્રખ્‍યાત સર્જન મારફત થવાની હતી. પણ અંત નજીક આવ્‍યો હતો એટલે યોગ્‍ય પગલું શાનું ભરાય ? પિતાશ્રી મુંબઇથી શસ્‍ત્રક્રિયા કરાવ્‍યા વિના અને તેને અંગે ખરીદેલો સામાન સાથે લઇને પાછા ફર્યા. તેમણે વધુ જીવવાની આશા છોડી દીધી. નબળાઇ વધતી ગઇ અને દરેક ક્રિયા બિછાનામાં જ કરવી પડે એ સ્થિતિ આવી પહોંચી, પણ છેવટે લગી તેમણે એમ કરવાનો વિરોધ જ કર્યો, અને પરિશ્રમ ઉઠાવવાનો આગ્રહ રાખ્‍યો. વૈષ્‍ણવધર્મનું એ આકરું શાસન છે. બાહ્ય શુદ્ધિ અતિ આવશ્‍યક છે, પણ પાશ્ર્ચાત્‍ય વૈદ્યકશાસ્‍ત્રે શીખવ્‍યું છે કે, મળત્‍યાગાદિની તથા સ્‍નાનાદિની બધી ક્રિયાઓ બિછાને પડયાં પડયાં પણ સંપૂર્ણ સ્‍વચ્‍છતાથી થઇ શકે છે, ને રોગીને કષ્‍ટ ઉઠાવવું પડતું નથી; જ્યારે જુઓ ત્‍યારે તેનું બિછાનું સ્‍વચ્‍છ જ હોય. આમ સચવાયેલી સ્‍વચ્‍છતાને હું તો વૈષ્‍ણવધર્મને નામે જ ઓળખું. પણ આ સમયે પિતાજીનો સ્‍નાનાદિનો સારુ બિછાનાનો ત્‍યાગ કરવાનો આગ્રહ જોઇ હું તો આશ્ર્ચર્યચકિત જ થતો અને મનમાં તેમની સ્‍તુતિ કર્યા કરતો.

અવસાનની ઘોર રાત્રિ નજીક આવી. આ વખતે મારા કાકાશ્રી રાજકોટમાં હતા. મને કંઇક એવું સ્‍મરણ છે કે પિતાશ્રીની માંદગી વધતી જાય છે એવા સમાચાર મળવાથી જ તેઓ આવેલા. બન્‍ને ભાઇઓની વચ્‍ચે ગાઢ પ્રેમભાવ વર્તાતો હતો. કાકાશ્રી આખો દિવસ પિતાશ્રીના બિછાનાની પાસે જ બેસી રહે અને અમને બધાને સૂવાની રજા આપી પોતે પિતાશ્રીના બિછાનાની પાસે સૂએ. કોઇને એવું તો હતું જ નહીં કે આ રાત્રિ આખરની નીવડશે. ભય તો સદાય રહ્યા કરતો હતો. રાતના સાડાદસ કે અગિયાર થયા હશે. હું પગચંપી કરી રહ્યો હતો. કાકાશ્રીએ મને કહ્યું, ‘તું જા, હવે હું બેસીશ. ’ હું રાજી થયો ને સીધો શયનગૃહમાં ગયો. સ્‍ત્રી તો બિચારી ભરઊંઘમાં હતી. પણ હું શાનો સૂવા દઉં ? મેં જગાડી. પાંચસાત મિનિટ થઇ હશે. તેટલામાં જે નોકરને વિશે