આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પિયર્સને અખતરો સફળ કરવામાં પોતાની કાયા નિચોવી. તેમને તે બહુ ગમ્યું. એક શાક મોળવાની મંડળી જામી, અને બીજી અનાજ સાફ કરવાની. રસોડાની આસપાસ શાસ્ત્રીય શુદ્ધિ કરવામાં નગીનબાબુ વગેરે રોકાયા. તેમને કોદાળી લઈ કામ કરતા જોઈ મારું હૈયું હરખાયું.

પણ આ મહેનતનું કામ સવાસો છોકરા અને શિક્ષકો પણ એકદમ ઝીલી શકે એમ નહોતું. તેથી રોજ ચર્ચા થતી. કેટલાક થાકતા. પિયર્સનને થાક લાગે જ શાનો? એ તો હસતે ચહેરે કંઈક ને કંઈક રસોડાના કામમાં લાગ્યા જ રહે. મોટાં મોટાં વાસણો માંજવાં એ તો એમનું જ કામ. વાસણ માંજનાર ટુકડીનો થાક ઉતારવા કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં સતાર વગાડતા. દરેક કામ વિદ્યાર્થીઓએ પૂરતા ઉત્સાહથી ઝીલી લીધું, અને આખું શાંતિનિકેતન મધપૂડાની પેઠે ગણગણવા લાગ્યું.

આવી જાતના ફેરફારોનો એક વાર આરંભ થયા પછી તે થોભી નથી જતા. ફિનિક્સ રસોડું સ્વાશ્રયી હતું, એટલું જ નહીં પણ તેમાં રસોઈ બહુ સાદી હતી. મસાલાનો ત્યાગ હતો. તેથી વરાળ મારફતે ભાત, દાળ, શાક અને ઘઉંના પદાર્થો પણ પકાવી લેવામાં આવતા હતા. બંગાળી ખોરાકમાં સુધારા કરવાના ઈરાદાથી એ જાતનું એક રસોડું કાઢ્યું હતું. એમાં એક બે અધ્યાપકો અને કેટલાક વિદ્યાર્થીઓ ભળ્યા હતા. આવા પ્રયોગોમાંથી સર્વસામાન્ય રસોડું સ્વાશ્રયી બનાવવાનો અખતરો શરૂ થઈ શક્યો હતો.

પણ છેવટે કેટલાંક કારણોને લઈને આ પ્રયોગ બંધ રહ્યો. મારી માન્યતા છે કે આ જગવિખ્યાત સંસ્થાએ આ પ્રયોગ ટૂંકી મુદતને સારુ ચલાવીને કંઈ ગુમાવ્યું નથી. અને તેમાંથી મળેલા કેટલાક અનુભવો તેને સારુ ઉપયોગી થયા હતા.

મારો ઈરાદો શાંતિનિકેતનમાં કંઈક મુદતને સારુ રહેવાનો હતો. પણ મને વિધાતા બળાત્કારે ઘસડી ગયો. હું ભાગ્યે એક અઠવાડિયું રહ્યો હોઈશ ત્યાં પૂનાથી ગોખલેના અવસાનનો તાર મળ્યો. શાંતિનિકેતન શોકમાં ડૂબી ગયું. મારી પાસે સૌ ખરખરો કરવા આવ્યા. મંદિરમાં ખાસ સભા ભરી. આ ગંભીર દેખાવ અપૂર્વ હતો. હું તે જ દિવસે પૂને જવા નીકળ્યો. સાથે પત્ની અને મગનલાલને લીધાં. બાકીનાં બધાં શાંતિનિકેતનમાં રહ્યાં.