આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને તે સમજી જતા અને દાનીબહેન પાસે સહન કરાવતા.

આ કુટુંબને આશ્રમમાં રાખીને આશ્રમને ઘણા પાઠ મળ્યા છે. અને આરંભકાળમાં જ અસ્પૃશ્યતાને આશ્રમમાં સ્થાન નથી જ એમ સાવ સ્પષ્ટ થઈ જવાથી, આશ્રમની મર્યાદા અંકાઈ ગઈ, ને તેનું કામ એ દિશામાં બહુ સરળ થઈ ગયું. આમ છતાં, આશ્રમને તેનું ખર્ચ, વધતું જતું હોવા છતાં, મુખ્ય ભાગે ચુસ્ત ગણાતા હિંદુઓ તરફથી જ મળતું આવ્યું છે એ કદાચ સ્પષ્ટ રીતે સૂચવે છે કે અસ્પૃશ્યતાની જડ સારી પેઠે હલી ગઈ છે. આના બીજા પુરાવા તો ઘણાયે છે જ. પણ અંત્યજનો સાથે જ્યાં ખાવા સુધીના વહેવાર રાખવામાં આવે છે ત્યાં પણ પોતાને સનાતની માનતા હિંદુ મદદ આપે એ નજીવો પુરાવો ન ગણાય.

આ જ પ્રશ્ન અંગે બીજી પણ આશ્રમમાં થયેલી ચોખવટ, તેને અંગે ઊઠેલા નાજુક પ્રશ્નોનો ઉકેલ, કેટલીક અણધારી અગવડોનું વધાવી લેવું, વગેરે સત્યની શોધને અંગે થયેલા પ્રયોગોનાં વર્ણનો પ્રસ્તુત હોવા છતાં મારે મેલી જ દેવાં પડે છે, એનું મને દુ:ખ છે. પણ હવે પછીનાં પ્રકરણોમાં આ દોષ રહ્યે જ જશે. અગત્યની હકીકતો મારે છોડવી પડશે, કેમ કે તેમાં ભાગ લેનારાં પાત્રો ઘણાં હજુ મોજૂદ છે, તેમની રજા વિના, તેમનાં નામો ને તેમની સાથેના પ્રસંગોનો છૂટથી ઉપયોગ કરવો અયોગ્ય લાગે છે. બધાની સંમતિ વખતોવખત માગવી અથવા તેમને લગતી હકીકતો તેમને મોકલી સુધરાવવી એ ન બને તેવું છે, ને આ આત્મકથાની મર્યાદાની બહારની એ વાત છે. તેથી, હવે પછીની કથા, જોકે મારી દષ્ટિએ સત્યના શોધકને સારુ જાણવાયોગ્ય છે તે છતાં, અધૂરી અપાયા કરશે એવો મને ડર છે. આમ છતાં, અસહકારના યુગ લગી ઈશ્વર પહોંચવા દે તો પહોંચવું એવી મારી ઇચ્છા અને આશા છે.