આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વધારે શક્તિની આવશ્યકતા બહુ હતી. કેમ કે ખેડૂતોનાં ટોળેટોળાં પોતાની કહાણી લખાવવા આવતાં થઈ ગયાં. કહાણી લખાવનારની પાછળ લશ્કર તો હોય જ. એટલે મકાનની વાડી ભરાઈ જાય. મને દર્શનાભિલાષીથી સુરક્ષિત રાખવાને સારુ સાથીઓ મહાન પ્રયત્નો કરે ને નિષ્ફળ જાય. અમુક વખતે દર્શન દેવાને સારુ મને બહાર કાઢ્યે જ છૂતકો થાય. કહાની લખનારની સંખ્યા પણ પાંચસાતની હંમેશાં રહે ત્યારે પણ દિવસને અંતે બધાની જુબાની પૂરી ન થાય. એટલે બધાની હકીકતની જરૂર ન જ હોય, છતાં તે લેવાથી લોકોને સંતોષ રહેતો હતો ને મને તેમની લાગણીની ખબર પડતી હતી.

કહાણી લખનારાએ કેટલાક નિયમોનું પાલન કરવાનું હતું. દરેક ખેડૂતની ઊલટતપાસ કરવી જોઈએ. ઊલટતપાસમાં જે તૂતી જાય તેની જુબાની ન લેવી. જેની વાત મૂળમાં જ પાયા વિનાની લાગે તે ન લેવી. આમ નિયમોના પાલનથી જોકે કંઈક વખત વધારે જતો હતો, છતાં જુબાનીઓ ઘણી સાચી, સિદ્ધ થઈ શકે એવી મળતી.

આ જુબાની લેતી વખતે છૂપી પોલીસના કોઈ અમલદાર હાજર હોય જ. આ અમલદારોને આવતા રોકી શકાતા હતા, પણ અમે મૂળથી જ નિશ્ચય કર્યો હતો કે, આ અમલદારોને આવતા રોકવા નહીં એટલું જ નહીં, પરંતુ તેમની પ્રત્યે વિનયથી વર્તવું ને આપી શકાય તે ખબર આપવી. તેમના સાંભળતાં ને દેખતાં જ બધી જુબાની લેવાતી. આનો લાભ એ થયો કે લોકોમાં વધારે નિર્ભયતા આવી. છૂપી પોલીસથી લોકોને બહુ ડર રહેતો તે ગયો ને તેમના દેખતાં અપાય એ જુબાનીમાં અતિશયોક્તિનો ભય થોડો રહે. ખોટું બોલતાં અમલદારો તેમને ફસાવે એ બીકે તેમને સાવધાનીથી બોલવું પડતું.

મારે નીલવરોને ખીજવવા નહોતા, પણ તેમને વિનયથી જીતવાનો પ્રયત્ન કરવો હતો, તેથી જેની સામે વિશેષ ફરિયાદ આવે તેને કાગળ લખતો ને તેને મળવાનો પણ પ્રયત્ન કરતો. નીલવરમંડળની પણ મુલાકાત લીધી હતી ને રૈયતની ફરિયાદો તેમની પાસે મૂકી તેમની હકીકત પણ સાંભળી લીધી હતી. તેમનામાંના કેટલાક મને તિરસ્કારતા, કેટલાક ઉદાસીન હતા ને કોઈ વિનય જણાવતા.