આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દસ પૈસા કરતાં વધારે નહોતી. સ્ત્રીઓની છ પૈસા અને બાળકોની ત્રણ. ચાર આનાની મજૂરી મળે તે ખેડૂત ભાગ્યશાળી ગણાય.

સાથીઓ સાથે વિચાર કરી છ ગામડાંમાં પ્રથમ તો બાળકોને સારુ નિશાળો ખોલવાનો ઠરાવ થયો. શરત એવી હતી કે, તે તે ગામડાના આગેવાનોએ મકાન અને શિક્ષકનું ખાવાનું આપવું, તેનું બીજું ખર્ચ અમારે પૂરું પાડવું. અહીંનાં ગામડાંમાં પૈસાની છોળ નહોતી, પણ અનાજ વગેરે પૂરું પાડવાની લોકોની શક્તિ હતી, એટલે લોકો કાચું અનાજ આપવા તૈયાર થઈ ગયા હતા.

શિક્ષકો ક્યાંથી લાવવા એ મહાપ્રશ્ન હતો. બિહારમાં ટૂંકો પગાર લેનારા કે કંઈ ન લેનારા એવા સારા શિક્ષકો મળવા મુશ્કેલ હતા. મારી કલ્પના એ હતી કે, સામાન્ય શિક્ષકના હાથમાં બાળકો ન જ મુકાય; શિક્ષકને અક્ષરજ્ઞાન ભલે ઓછું હોય, પણ તેનામાં ચારિત્રબળ જોઈએ.

આ કામને સારુ સ્વયંસેવકોની મેં જાહેર માગણી કરી. તેના જવાબમાં ગંગાધરરાવ દેશપાંડેએ બાબાસાહેબ સોમણ, અને પુંડલીકને મોકલ્યા. મુંબઈથી અવંતિકાબાઈ ગોખલે આવ્યાં. દક્ષિણથી આનંદીબાઈ આવ્યાં. મેં છોટેલાલ, સુરેન્દ્રનાથ તથા મારા દીકરા દેવદાસને બોલાવી લીધા. આ જ અરસામાં મહાદેવ દેસાઈ અને નરહરિ પરીખનાં પત્ની મણિબહેન પણ આવ્યાં. કસ્તૂરબાઈને પણ મેં બોલાવી લીધી હતી. આટલો શિક્ષકો અને શિક્ષિકાઓનો સંઘ પૂરતો હતો. શ્રી અવંતિકાબાઈ અને આનંદીબાઈ તો ભણેલાં ગણાય, પણ મણિબહેન પરીખ અને દુર્ગાબહેન દેસાઈને ગુજરાતીનું થોડુંક જ જ્ઞાન હતું. કસ્તૂરબાઈને તો નહીં જેવું જ. આ બહેનો હિંદી બાળકોને કઈ રીતે શીખવે ?

દલીલો કરી બહેનોને સમજાવી કે, તેમણે છોકરાંને વ્યાકરણ નહીં પણ રીતભાત શીખવવાની છે, વાંચતા લખતાં કરતાં તેમને સ્વચ્છતાના નિયમો શીખવવાના છે. હિંદી, ગુજરાતી, મરાઠી વચ્ચે મોટો ભેદ નથી એ પણ તેમને બતાવ્યું, ને પહેલા વર્ગમાં તો માંડ આંકડાઓ માંડતાં શીખવવાનું હોય એટલે મુશ્કેલી ન જ આવે. પરિણામ એ આવ્યું કે, બહેનોના વર્ગ બહુ સરસ રીતે ચાલ્યા. બહેનોને આત્મવિશ્વાસ આવ્યો ને