આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમને પોતાના કામમાં રસ પણ આવ્યો. અવંતિકાબાઈની શાળા આદર્શ શાળા બની. તેમણે પોતાની શાળામાં પ્રાણ રેડ્યો. તેમની આવડત પણ પુષ્કળ હતી. આ બહેનોની મારફતે ગામડાંના સ્ત્રીવર્ગમાં પણ પ્રવેશ થઈ શક્યો હતો.

પણ મારે શિક્ષણથી જ અટકવાનું નહોતું. ગામડાંની ગંદકીનો પાર નહોતો. શેરીઓમાં કચરો, કૂવાઓની પાસે કાદવ ને બદબો, આંગણાં જોયાં ન જાય. મોટેરાંને સ્વચ્છતાની કેળવણીની જરૂર હતી. ચંપારણના લોકો રોગોથી પીડાતા જોવામાં આવતા હતા. બની શકે એટલું સુધરાઈનું કામ થાય તો કરવું ને તેમ કરી લોકોના જીવનના દરેક વિભાગમાં પ્રવેશ કરવાની વૃત્તિ હતી.

આ કામમાં દાક્તરની મદદની જરૂર હતી તેથી મેં ગોખલેના સમાજ પાસેથી દા. દેવની માગણી કરી. તેમની સાથે મને સ્નેહગાંઠ તો બંધાઈ જ હતી. છ માસને સારુ તેમની સેવાનો લાભ મળ્યો. તેમની દેખરેખ નીચે શિક્ષકો અને શિક્ષિકાઓએ કામ કરવાનું હતું.

બધાંની સાથે આટલી સમજૂતી હતી કે, કોઈએ નીલવરોની સામેની ફરિયાદમાં ન ઊતરવું, રાજ્યપ્રકરણને ન અડકવું, ફરિયાદો કરનારને મારી આગળ જ મોકલી દેવા; કોઈએ પોતાના ક્ષેત્રની બહાર એક ડગલું સરખુંયે ન જવું. ચંપારણના આ સાથીઓનું નિયમનનું પાલન અદ્‌ભુત હતું. એવો પ્રસંગ મને યાદ નથી આવતો કે જ્યારે કોઈએ તેને મળેલી સૂચનાઓનું ઉલ્લંઘન કર્યું હોય.

૧૮. ગ્રામપ્રવેશ

ઘણે ભાગે દરેક નિશાળમાં એક પુરુષ અને એક સ્ત્રી એમ ગોઠવણ થઈ હતી. તેમની મારફતે જ દવાનાં ને શુધરાઈના કામો કરવાનાં હતાં. સ્ત્રીઓની મારફતે સ્ત્રીવર્ગમાં પ્રવેશ કરવાનો હતો. દવાનું કામ બહું સહેલું કરી મૂક્યું હતું. એરંડિયું, ક્વિનીન અને એક મલમ એટલી જ વસ્તુઓ દરેક નિશાળમાં રાખવામાં આવતી હતી. જીભ તપાસતા મેલી જોવામાં આવે અને બંધકોશની ફરિયાદ આવે તો એરંડિયું પાઈ દેવું. તાવની ફરિયાદ આવે તો એરંડિયું આપ્યા પછી આવનારને ક્વિનીન પિવડાવવું,