આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્થાયી મકાન બન્યા પહેલાંની અગવડોનો પાર નહોતો. વરસાદની મોસમ માથે હતી. સામાન બધો ચાર માઈલ દૂરથી શહેરમાંથી લાવવાનો હતો. આ અવાવરુ જમીનમાં સર્પાદિ તો હતા જ. તેવામાં બાળકોને સાચવવાનું જોખમ જેવું તેવું નહોતું. રિવાજ સર્પાદિને ન મારવાનો હતો, પણ તેના ભયથી મુક્ત તો અમારામાંથી કોઈ જ નહોતાં, આજેયે નથી.

હિંસક જીવોને ન મારવાના નિયમનું યથાશક્તિ પાલન ફિનિક્સ, ટૉલ્સ્ટૉય ફાર્મ અને સાબરમતી ત્રણે જગ્યાએ કર્યું છે. ત્રણે જગ્યાએ અવાવરુ જમીનમાં વસવાટ કરવો પડ્યો છે. ત્રણે જગ્યાએ સર્પાદિનો ઉપદ્રવ સારો ગણાય. એમ છતાં હજુ લગી એક પણ જાન ખોવી નથી પડી, તેમાં મારા જેવા શ્રદ્ધાળુ તો ઈશ્વરનો હાથ, તેની કૃપા જ જુએ છે. ઈશ્વર પક્ષપાત ન કરે, મનુષ્યના રોજના કામમાં હાથ ઘાલવા તે નવરો નથી બેઠો, એવી નિરર્થક શંકા કોઈ ન કરે. આ વસ્તુને, અનુભવે બીજી ભાષામાં મૂકતાં મને આવડતું નથી. લૌકિક ભાષામાં ઈશ્વરની કૃતિને મૂકતા છતાં હું જાણું છું કે તેનું 'કાર્ય' અવર્ણનીય છે. પણ જો પામર મનુષ્ય વર્ણન કરે તો તેની પાસે તો પોતાની તોતલી બોલી જ હોય. સામાન્ય રીતે સર્પાદિને ન મારતા છતાં સમાજે પચીસ વર્ષ લગી બચ્યાં રહેવું, તેને અકસ્માત માનવાને બદલે ઈશ્વરકૃપા માનવી એ વહેમ હોય તો તે વહેમ પણ સંઘરવા લાયક છે.

જ્યારે મજૂરોની હડતાળ પડી ત્યારે અશ્રમનો પાયો ચણાઈ રહ્યો હતો. આશ્રમની પ્રધાન પ્રવૃત્તિ વણાટકામ હતું. કાંતવાની તો હજી શોધ જ નહોતી કરી શક્યા. તેથી વણાટશાળા પહેલી બાંધવી એવો નિશ્ચય હતો. એટલે તેનો પાયો ચણાઈ રહ્યો હતો.

૨૨. ઉપવાસ

મજૂરોએ પહેલાં બે અઠવાડિયાં ખૂબ હિંમત બતાવી; શાંતિ પણ ખૂબ જાળવી; રોજની સભામાં ખૂબ સંખ્યામાં હાજરી આપી. રોજ પ્રતિજ્ઞાનું સ્મરણ તેમને હું કરાવતો. 'અમે મરશું, પણ અમારી એક ટેક કદી નહીં છોડીએ,' એમ રોજ તેઓ પોકારી પોકારીને કહેતા.

પણ છેવટે તેઓ મોળા પડતા લાગ્યા, ને નબળો આદમી જેમ