આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થયાં. દિલ્હીમાં દમનનીતિ શરૂ થઈ. શ્રધ્ધાનંદજીએ મને દિલ્હી બોલાવ્યો. મેં છઠ્ઠી ઊજવી તરત દિલ્હી જવા વિષે કર્યો હતો.

જેમ દિલ્હી તેમ જ લાહોર અમૃતસરનું હતું. અમૃતસરથી દા. સત્યપાલ અને કિચલુના તાર મને ચાંપીને બોલાવવાના હતા. આ બે ભાઈઓને હું તે વેળા મુદ્લ જાણતો નહોતો. પણ ત્યાંયે દિલ્હી થઈ જવાનો નિશ્ચય જણાવ્યો હતો.

છઠ્ઠીએ મુંબઈમાં સવારના પહોરમાં હજારો લોકો ચોપાટીમાં સ્નાન કરવા ગયા ને ત્યાંથી ઠાકુરદ્વાર*[૧] જવા સરઘસ નીકળ્યું. તેમાં સ્ત્રીઓ અને બચ્ચાં પણ હતાં. સરઘસમાં મુસલમાનોએ પણ સારી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સરઘસમાંથી અમને મુસલમાન ભાઈઓ એક મસ્જિદે લઈ ગયા. ત્યાં શ્રી સરોજિની દેવી પાસે ને મારી પાસે ભાષણ કરાવ્યાં. અહીં શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીએ સ્વદેશીની અને હિંદુમુસલમાન ઐક્યની પ્રતિજ્ઞા લેવરાવવાની સૂચના કરી. મેં એવી ઉતાવળથી પ્રતિજ્ઞા લેવરાવવાની ના પાડી. જેટલું થઈ રહ્યું હતું એટલેથી સંતોષ માનવાની સલાહ આપી. પ્રતિજ્ઞા લીધા પછી ન તૂટે. સ્વદેશીનો અર્થ આપણે સમજવો જોઈએ. હિંદુમુસલમાન ઐક્યની જોખમદારીનો ખ્યાલ રહેવો જોઈએ વગેરે કહ્યું, ને સૂચવ્યું કે જેને પ્રતિજ્ઞા લેવાનો વિચાર હોય તે ચોપાટીના મેદાન ઉપર ભલે બીજી સવારે હાજર થાય.

મુંબઈની હડતાળ સંપૂર્ણ હતી.

અહીં કાયદાના સવિનય ભંગની તૈયારી કરી મૂકી હતી. ભંગ થઈ શકે એવી બે ત્રણ વસ્તુઓ હતી. જે કાયદાઓ રદ થવા લાયક હતા એવા અને જેમનો ભંગ બધા સહેલાઈથી કરી શકે એવા હતા તેમાંથી એકનો જ ઉપયોગ કરવો એવો ઠરાવ હતો. મીઠાના કરને લગતો કાયદો અળખામણો હતો. તે કર નાબૂદ થવા સારુ ઘણા પ્રયત્ન થઈ રહ્યા હતા. એટલે બધા પરવાના વિના મીઠું પોતાના ઘરમાં પકાવે એવી એક સૂચના મેં કરી હતી. બીજી સૂચના સરકારે પ્રસિધ્ધ થતાં અટકાવેલાં


  1. * અહીં ’ઠાકુરદ્વાર’ને બદલે ’માધવબાગ’ વાંચવું. અત્યાર સુધીની અંગ્રેજી તેમ જ ગુજરાતી આવૃત્તિમાં આ ભૂલ ચાલતી આવેલી છે. એ વખતે ગાંધીજીની સાથે રહેનારા શ્રી મથુરદાસ ત્રિકમજીએ ભૂલ સુધરાવી હતી.