આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યોગ્ય ટીકા કરી શકતો હતો, અને તેની પાછળ સત્યાગ્રહરૂપી શક્તિ પડી છે એમ તો સરકારને ખબર હતી. તેથી આ મિત્રોની સૂચનાનો મેં સ્વીકાર કર્યો.

પણ અંગ્રેજી મારફતે પ્રજાને સત્યાગ્રહની તાલીમ કેમ આપી શકાય? ગુજરાતમાં મારા કાર્યનું મુખ્ય ક્ષેત્ર હતું. ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક એ વેળા તે જ ટોળીમાં હતા. તેમના હાથમાં માસિક 'નવજીવન' હતું. તેનું ખર્ચ પણ પેલા મિત્રો પૂરું પાડતા. આ છાપું ભાઈ ઇન્દુલાલે અને તે મિત્રોએ મને સોંપ્યું. ને ભાઈ ઇન્દુલાલે તેમાં કામ કરવાનું પણ માથે લીધું. આ માસિકને સાપ્તાહિક કર્યું.

દરમ્યાન 'ક્રૉનિકલ' સજીવન થયું, એટલે 'યંગ ઇંડિયા' ફરી સાપ્તાહિક થયું, ને મારી સૂચનાથી તેને અમદાવાદમાં લઈ ગયા. બે છાપાં નોખે નોખે ઠેકાણે ચાલે તેમાં ખર્ચ વધારે થાય ને મને અગવડ વધારે થાય. 'નવજીવન' તો અમદાવાદમાં નીકળતું હતું. આવાં છાપાંને સ્વતંત્ર છાપખાનું જોઈએ એ તો મેં 'ઇંડિયન ઓપીનિયન'ને વિષે જ અનુભવ્યું હતું. વળી અહીંના તે વખતના છાપાના કાયદા પણ એવા હતા કે, મારે જે વિચારો પ્રગટ કરવા હોય તે વ્યાપારદૃષ્ટિએ ચાલતા છાપખાનાવાળા છાપતાં સંકોચાય. એ પણ છાપખાનું વસાવવાનું પ્રબળ કારણ હતું. અને તે અમદાવાદમાં જ સહેલાઈથી થઈ શકે તેમ હતું, એટલે 'યંગ ઇંડિયા' અમદાવાદમાં લઈ ગયા.

આ છાપાં મારફત મેં સત્યાગ્રહની તાલીમ પ્રજાને આપવાનો યથાશક્તિ આરંભ કર્યો. બંને છાપાંની નકલો જૂજ ખપતી હતી તે વધતી વધતી ૪૦,૦૦૦ની આસપાસ પહોંચી હતી. 'નવજીવન'ની ઘરાકી એકદમ વધી, જ્યારે 'યંગ ઇંડિયા'ની ધીમે ધીમે વધી. મારા જેલ જવા બાદ તેમાં ઓટ થયો ને આજે બંનેની ઘરાકી આઠ હજારની નીચે ચાલી ગઈ છે.

આ છાપાંમાં જાહેર ખબર ન લેવાનો મારો આગ્રહ અસલથી જ હતો. તેથી કશો ગેરલાભ થયો નથી એવી મારી માન્યતા છે, અને છાપાંની વિચારસ્વતંત્રતા જાળવવામાં આ પ્રથાએ બહુ મદદ કરી છે.

આ છાપાંની મારફતે હું મારી શાંતિ મેળવી શક્યો. કેમ કે જોકે તુરત મારાથી સવિનય ભંગનો આરંભ ન કરી શકાયો, પણ હું મારા