આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોવાને લીધે અને હિંદુઓની લાગણીને માન આપવાને ખાતર તેઓ સ્વતંત્ર રીતે ગોવધ બંધ કરે એ તેમને શોભે, એ તેમની ફરજ છે; અને એ નોખો પ્રશ્ન છે. જો એ ફરજ હોય ને તેઓ ફરજ સમજે, તો હિંદુ ખિલાફતમાં મદદ દે અથવા ન દે, તોપણ મુસલમાને ગોવધ બંધ કરવો ઘટે. આમ બંને પ્રશ્નોને સ્વતંત્ર રીતે તપાસવા જોઈએ, ને તેથી સભામાં માત્ર ખિલાફતનો જ પ્રશ્ન ચર્ચાય એ બરોબર છે, એમ મેં મારી દલીલ રજૂ કરી. સભાને તે ગમી. ગોરક્ષાનો પ્રશ્ન સભામાં ન ચર્ચાયો પણ મૌલાના અબદુલ બારી સાહેબે તો કહ્યું: 'હિંદુઓની ખિલાફતમાં મદદ હો યા ન હો, આપણે એક મુલકના હોઈ મુસલમાનોએ હિંદુઓની લાગણીની ખાતર ગોવધ બંધ કરવો જોઈએ.' એક વખતે તો એમ જ લાગ્યું કે મુસલમાનો ખરે જ ગોવધ બંધ કરશે.

કેટલાકની સૂચના એવી હતી કે, પંજાબના સવાલને પણ ખિલાફત સાથે ભેળવવો. મેં આ બાબત મારો વિરોધ બતાવ્યો. પંજાબનું કારણ સ્થાનિક છે, પંજાબનાં દુ:ખને કારણે આપણે સલ્તનતને લગતી સુલેહની ઉજવણીમાંથી અલગ નથી રહી શકતા, ખિલાફતના સવાલ સાથે પંજાબને આ સંબંધમાં ભેળવવાથી આપણે અવિવેકનો આરોપ વહોરી લઈશું, એવી મારી દલીલ હતી. એ સૌને પસંદ પડી.

આ સભામાં મૌલાના હસરત મોહાની હતા. તેમની ઓળખાણ તો મને થઈ જ હતી. પણ તે કેવા લડવૈયા છે એ તો મેં અહીં જ અનુભવ્યું. અમારી વચ્ચે મતભેદ અહીંથી જ થયો તે અનેક વાતોમાં છેવટ લગી રહ્યો.

ઘણા ઠરાવોમાં એક ઠરાવ હિંદુમુસલમાન બધાએ સ્વદેશી વ્રતનું પાલન કરવું, ને તે અર્થે વિદેશી કાપડનો બહિષ્કાર કરવો, એમ હતો. ખાદીનો પુનર્જન્મ હજુ થઈ ચૂક્યો નહોતો. હસરત સાહેબને આ ઠરાવ ગળે ઊતરે તેમ નહોતો. તેમને તો અંગ્રેજી સલ્તનત જો ખિલાફતની બાબતમાં ઇન્સાફ ન કરે તો વેર લેવું હતું. તેથી તેમણે બ્રિટિશ માલમાત્રનો યથાસંભવ બહિષ્કાર સૂચવ્યો. મેં બ્રિટિશ માલમાત્રના બહિષ્કારની અશક્યતા ને અયોગ્યતા વિષે મારી હવે જાણીતી થઈ ગઈ છે તે દલીલો રજૂ કરી. મારી અહિંસાવૃત્તિનું પણ મેં પ્રતિપાદન કર્યું. સભાની ઉપર મારી દલીલોની