આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૩૭. અમૃતસરની મહાસભા

લશ્કરી કાયદાના અમલમાં જે સેંકડો નિર્દોષ પંજાબીઓને નામની અદાલતોએ નામના પુરાવા લઈ નાનીમોટી મુદ્દતની જેલમાં ગોંધી દીધા હતા, તેમને પંજાબની સરકર સંઘરી ન શકી. આ હડહડતા ગેરઈન્સાફની સામે એટલો બધો પોકાર ચોમેર ચાલ્યો હતો કે, સરકાર આ કેદીઓને જેલમાં વધારે મુદ્દત સંઘરી શકે એમ ન રહ્યું. એટલે મહાસભા ભરાય તે પહેલાં ઘણાં કેદીઓ છૂટી ગયા. લાલા હરકિસનલાલ વગેરે આગેવાનો બધા છૂટી ગયા. અને મહસભા ચાલતી હતી તે દરમ્યાન અલીભાઈઓ પણ છૂટીને આવ્યા. એટલે લોકોના હર્ષનો પાર જ ન રહ્યો. પંડિત મોતીલાલ નેહરુ, જેમણે પોતાનો ધંધો કોરે મૂકીને પંજાબમાં જ થાણું કર્યું હતું, તે મહાસભાના પ્રમુખ હતા. સ્વામી શ્રદ્ધાનંદજી સ્વગત મંડળના સભાપતિ હતા.

આજ લગી મહાસભામાં મારો ભાગ હિંદીમામ્ મારું નાનું સરખું ભાષણ કરી, હિંદીને સારુ વકીલાત કરવા પૂરતો ને સંસ્થાનવાસી હિંદીઓનો કેસ રજૂ કરવા પૂરતો હતો. અમૃતસરમાં મરે આથી વિશેષ કંઈક કરવું પડશે એવું મેં નહોતું ધાર્યું. પણ જેમ મારે વિષે પૂર્વે બન્યું છે તેમ જવાબદારી એકાએક આવી પડી.

બાદશાહનું નવા સુધારા વિષેનું ફરમાન પ્રગટ થયું હતું. તે મને પૂર્ણ સંતોષ આપે એવું તો નહોતું જ, બીજા કોઈને તો નહોતું જ ગમ્યું પણસદરહુ ફરમાનમાં સૂચવેલા સુધારા ખામીભર્યા છતાં તે સ્વીકારી શકાય એવા છે, એમ મેં તે વેળા માન્યું. બાદશાહી ફરમાનમાં મેં લૉર્ડ સિંહનો (કશી ભૂલ લાગે છે) હાથ જોયો હતો. તેની ભાષામાં આશાનાં કિરણો તે વેળાની મારી આંખ જોતી હતી. પન અનુભવી લોકમાન્ય, ચિત્તરંજન દાસ ઈત્યાદિ યોદ્ધાઓ માથું હલાવતા હતા. ભારતભૂષણ માલવીયાજી મધ્યસ્થ હતા.

મારો ઉતારો તેમણે પોતાની કોટડીમાં જ રાખ્યો હતો. તેમની સાદાઈની ઝાંખી મને કાશી વિશ્વવિદ્યાલયના પાયાને વખતે થઈ હતી. પણ આ વખતે તો તેમણે પોતાની કોટડીમાં જ મને સંઘર્યો, એટલે તેમની દિનચર્યા આખી હું જોઈ શક્યો ને મને સાનંદાશ્ચર્ય થયું. તેમની કોટડી