આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ કઈ રીતે પૂણીઓ તૈયાર કરતા હશે ? પૂણીઓ બનાવનારને શોધવાનું મેં ગંગાબહેનને સૂચવ્યું. તેમણે તે કામ માથે લીધું. પીંજારાને શોધી કાઢ્યો. તેને દર માસે રૂ. ૩૫ના કે એથી મોટા પગારથી રોક્યો. પૂણી બનાવતાં બાળકોને શીખવ્યું. મેં રૂની ભિક્ષા માગી. ભાઈ યશવંતપ્રસાદ દેસાઈએ રૂની ગાંસડીઓ પૂરી પાડવાનું માથે લીધું. ગંગાબહેને કામ એકદમ વધાર્યું. વણકરો વસાવ્યા ને કંતાયેલું વણાવવાનું શરૂ કર્યું. વિજાપુરની ખાદી પંકાઈ.

બીજી તરફથી આશ્રમમાં હવે રેંટિયો દાખલ થતાં વાર ન લાગી. મગનલાલ ગાંધીની શોધક શક્તિએ રેંટિયામાં સુધારા કર્યા, ને રેંટિયા તથા ત્રાકો આશ્રમમાં બન્યાં. આશ્રમની ખાદીના પહેલા તાકાનું ખર્ચ વારના સત્તર આના પડ્યું. મેં મિત્રો પાસેથી જાડી કાચા સૂતરની ખાદીના એક વારના સત્તર આના લીધા તે તેમણે હોંશે આપ્યા.

મુંબઈમાં હું પથારીવશ હતો. પણ સૌને પૂછ્યા કરતો. ત્યાં કાંતનારી બહેનો હાથ લાગી. તેમને એક શેર સૂતરનો એક રૂપિયો આપ્યો. હું ખાદીશાસ્ત્રમાં હજુ આંધળોભીંત જેવો હતો. મારે તો હાથે કાંતેલું સૂતર જોઈતું હતું, કાંતનારી જોઈતી હતી. ગંગાબહેન જે ભાવ આપતાં હતાં તેની સરખામણી કરતાં જોયું કે હું છેતરાતો હતો. બાઈઓ ઓછું લેવા તૈયાર નહોતી, તેથી તેમને છોડવી પડી. પણ તેમનો ઉપયોગ હતો. તેમણે શ્રી અવંતિકાબાઈ, રમીબાઈ કામદાર. શ્રી શંકરલાલ બૅંકરનાં માતુશ્રી અને શ્રી વસુમતીબહેનને કાંતવાનું શીખવ્યું, ને મારી ઓરડીમાં રેંટિયો ગુંજ્યો. એ યંત્રે મને માંદાને સાજો કરવામાં ફાળો ભર્યો એમ કહું તો અતિશયોક્તિ નથી. આ માનસિક સ્થિતિ છે એ ખરું. પણ મનનો હિસ્સો મનુષ્યને સાજોમાંદો કરવામાં ક્યાં ઓછો છે ? રેંટિયાને મેં પણ હાથ લગાડ્યો. આનાથી આગળ આ વેળા હું નહોતો જઈ શક્યો.

અહીં હાથની પૂણી ક્યાંથી લાવવી ? શ્રી રેવાશંકર ઝવેરીના બંગલાની પાસેથી રોજ તાંતનો અવાજ કરતો પીંજારો પસાર થતો. તેને મેં બોલાવ્યો. તે ગાદલાનું રૂ પીંજતો. તેણે પૂણી તૈયાર કરી આપવાનું કબૂલ કર્યું. ભાવ આકરો માંગ્યો તે મેં આપ્યો. આમ તૈયાર થયેલું સૂતર મેં વૈષ્ણવોને પવિત્રાં કરવા સારુ દામ લઈ વેચ્યું. ભાઈ