આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો માંસ ખાતા છતાંય મેળવાય છે, એટલે તેના ઉપરનો મારો મોહ નાશ પામ્યો. જો મારા શબ્દ ઉપર વિશ્વાશ ન હોય તો આવી બાબતમાં પ્રમાણપત્ર બતાવીને મારે શો લાભ ઉઠાવવો હોય?

સુખદુ:ખે મુસાફરી પૂરી કરી સાઉધેમ્પ્ટન બંદર ઉપર અમે આવી પહોંચ્યા. આ શનિવાર હતો એવું મને સ્મરણ છે. હું સ્ટીમર ઉપર કાળાં કપડાં પહેરતો. મિત્રોએ મારે સારુ એક સફેદ ફ્લાલીનનાં કોટપાટલૂન પણ કરાવ્યાં હતાં. તે મેં વિલાયતમાં ઊતરતાં પહેરવા ધારેલું, એમ સમજીને કે સફેદ કપડાં વધારે શોભે! હું આ ફ્લાલીનનાં કપડાં પહેરીને ઊતર્યો. સપ્ટેમ્બરના આખરના દિવસો હતા. આવાં કપડાં પહેરનારો મને એકલાને જ જોયો. મારી પેટીઓ અને તેની ચાવીઓ તો ગ્રિન્ડલે કંપનીના ગુમાસ્તા લઈ ગયા હતા. સહુ કરે તેમ મારે પણ કરવું જોઇએ એમ સમજીને મેં તો મારી ચાવીઓ પણ આપી દીધેલી!

મારી પાસે ભલામણના ચાર કાગળો હતા: દાક્તર પ્રાણજીવન મહેતા ઉપર, દલપતરામ શુક્લ ઉપર, પ્રિન્સ રણજિતસિંહજી ઉપર અને દાદાભાઇ નવરોજી ઉપર. મેં દાક્તર મહેતાની ઉપર સાઉધેમ્પ્ટનથી તાર કરેલો. સ્ટીમરમાં કોઇએ સલાહ આપેલી કે વિક્ટોરિયા હોટેલમાં ઊતરવું. તેથી મજમુદાર અને હું હોટલમાં ગયા. હું તો મારા સફેદ કપડાંની શરમમાં સમસમી રહ્યો હતો. વળી હોટલમાં જતાં ખબર પડી કે વળતો દિવસ રવિવારનો હોવાથી સોમવાર લગી ગ્રિન્ડલેને ત્યાંથી સામાન નહીં આવે. આથી હું મૂંઝાયો.

સાતઆઠ વાગ્યે દાક્તર મહેતા આવ્યા. તેમણે પ્રેમમય વિનોદ કર્યો. મેં અજાણતાં એમની રેશમનાં રૂંવાંવાળી ટોપી જોવા ખાતર ઉપાડી, અને તેના ઉપર ઊલટો હાથ ફેરવ્યો. એટલે ટોપીનાં રૂંવાં ઊભાં થયાં. દાક્તર મહેતાએ જોયું. તરત જ મને અટકાવ્યો, પણ ગુનો તો થઈ ચૂક્યો હતો. ફરી પાછો ન થાય એટલું જ તેમના અટકાવવાનું પરિણામ આવી શક્યું.

અહીંથી યુરોપના રીતરિવાજો વિષેનો મારો પહેલો પાઠ શરૂ થયો ગણાય. દાક્તર મહેતા હસતા જાય અને ઘણી વાતો સમજાવતા જાય. કોઇની વસ્તુને ન અડકાય; જે પ્રશ્નો કોઇ જોડે ઓળખાણ થતાં હિંદુસ્તાનમાં સહેજે પૂછી શકાય છે એવા પ્રશ્નો અહીં ન પુછાય; વાતો