આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાંચ્યાની તારીખથી હું મરજિયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતો થયો. માતાની પાસે કરેલી પ્રતિજ્ઞા હવે મને વિશેષ આનંદદાયી થઇ પડી; અને જેમ અત્યાર સુધીમાં બધા માંસાહારી થાય તો સારું એમ માનતો હતો, અને પ્રથમ કેવળ સત્યને જાળવવા ખાતર અને પાછળથી પ્રતિજ્ઞા જાળવવાને ખાતર જ માંસત્યાગ કરતો હતો, ને ભવિષ્યમાં કોઈ દહાડો પોતે છૂટથી ઉઘાડી રીતે માંસ ખાઈ બીજાને ખાનારની ટોળીમાં ભેળવવાની હોંશ રાખતો હતો, તેમ હવે જાતે અન્નાહારી રહી બીજાને તેવા બનાવવાનો લોભ જાગ્યો.


૧૫. ‘સભ્ય’ વેશે

અન્નાહાર ઉપર મારી શ્રદ્ધા દિવસે દિવસે વધતી ચાલી સોલ્ટના પુસ્તકે આહારના વિષય ઉપર વધારે વાંચવાની મારી જિજ્ઞાસા તીવ્ર કરી. મેં તો જેટલા પુસ્તકો મળ્યાં તે ખરીધ્યાં ને વાંચ્યાં. તેમાં હાવર્ડ વિલિયમ્સનું 'આહારનીતિ' નામનું પુસ્તક જુદા જુદા યુગના જ્ઞાનીઓ, અવતારો, પેગંબરોના આહારનું અને તે વિષેના તેમના વિચારોનું વર્ણન કરે છે. પાઈથાગોરસ, ઈશુ ઈત્યાદિને તેણે કેવળ અન્નાહાર કરનારા સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. દા. મિસિસ ઍના કિંગ્સફર્ડનું 'ઉતમ આહારની રીત' નું પુસ્તક પણ આકર્ષક હતું. વળી આરોગ્ય ઉપરના દા. ઍલિન્સનના લેખો પણ ઠીક મદદગાર નીવડ્યા. દવાને બદલે કેવળ ખોરાકના ફેરફારથી જ દરદીને સારો કરવાની પદ્ધતિનું તે સમર્થન કરે છે. દા. ઍલિસન્સ પોતે અન્નાહારી હતા અને દરદીઓને સારુ કેવળ અન્નાહારની સલાહ આપતા. આ બધાં પુસ્તકોના વાચનનું પરિણામ એ આવ્યું કે મારી જિંદગીમાં ખોરાકના અખતરાઓએ મહત્વનું સ્થાન લીધું. તે અખતરામાં પ્રથમ આરોગ્યની દ્રષ્ટિને પ્રધાન સ્થાન હતું. પાછળથી ધાર્મિક દ્રષ્ટિ સર્વોપરી બની.

દરમ્યાન પેલા મિત્રની મારે વિષેની ચિંતા દૂર નહોતી થઈ. તેમણે પ્રેમને વશ થઈને માન્યું કે, હું જો માંસાહાર નહિં કરું તો નબળો થઈશ, એટલું જ નહીં પણ હું 'ભોટ' રહેવાનો,કેમ કે અંગ્રેજ સમાજમાં ભળી જ નહીં શકું. તેમને મારા અન્નાહાર ઉપરના પુસ્તક વાચનની ખબર હતી. તેમને એવી ધાસ્તી લાગી કે એવા વાચનથી હું ભ્રમિતચિત્ત બની