આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમની ઉદારતાનો વિચાર કરતાં હું કચવાયો. જેઓ પંદર પાઉંડ અને આઠ પાઉંડ દર માસે ખર્ચતા હતા તેમને તો શિષ્યવૃત્તિઓ મળતી હતી. મારા કરતાં વધારે સાદાઈથી રહેનારને પણ હું જોતો હતો. મારા પ્રસંગમાં આવા ગરીબ વિદ્યાર્થીઓ ઠીક પ્રમાણમાં આવ્યા હતા. એક વિદ્યાર્થી લંડનના કંગાળ ભાગમાં અઠવાડિયાના બે શિલિંગ ભરી એક કોટડીમાં રહેતો હતો, અને લોકાર્ટની સસ્તી કોકોની દુકાનમાં બે પેનીનાં કોકો અને રોટી ખાઈને ગુજારો કરતો હતો. તેની હરીફાઈ કરવાની તો મારી શક્તિ નહોતી, પણ હું અવશ્ય બેને બદલે એક કોટડીમાં રહી શકું અને અરધી રસોઈ હાથે પણ પકાવી શકું એમ લાગ્યું. આમ કરવાથી હું દર માસે ચાર કે પાંચ પાઉંડમાં રહી શકું. સાદી રહેણીનાં પુસ્તકો પણ વાંચવામાં આવ્યાં હતાં. બે કોટડી કાઢી નાખી અઠવાડિયાના આઠ શિલિંગની એક કોટડી ભાડે લીધી. એક સગડી ખરીદી ને સવારનું હાથે પકાવવાનું શરૂ કર્યું. પકાવવામાં ભાગ્યે વીસ મિનિટ જતી. ઓટમીલની ઘેંસ અને કોકોને સારુ પાણી ઉકાળવામાં શો વખત જાય? બપોરે બહાર જમી લેવું અને સાંજે પાછો કોકો બનાવી રોટીની સાથે લેવો. આમ હું એકથી સવા શિલિંગમાં રોજ ખાવાનું મેળવી લેતાં શીખ્યો. આ મારો સમય વધારેમાં વધારે ભણતરનો હતો. જીવન સાદું થવાથી વખત વધારે બચ્યો. બીજી વેળા પરીક્ષામાં બેઠો ને પાસ થયો.

વાંચનાર, પણ એમ ન માને કે સાદાઈથી જીવન રસહીન થયું. ઊલટું, ફેરફારોથી મારી આંતરિક અને બાહ્ય સ્થિતિ વચ્ચે એકતા ઊપજી; કૌટુંબિક સ્થિતિની સાથે મારી રહેણીનો મેળ મળ્યો; જીવન વધારે સારમય બન્યું; મારા આત્માનંદનો પાર ન રહ્યો.


૧૭. ખોરાકના પ્રયોગો

જેમ જેમ હું જીવનમાં ઊંડો ઉતર્તો ગયો તેમ તેમ મને બહરના અને અંતરના આચારમાં ફેરફારો કરવાની જરૂર પડતી જણાઈ. જે ગતિથી રહેણીમાં અને ખર્ચમાં ફેરફારો થયા તેજ ગતિથી અથવા વધારે વેગથી ખોરાકમાં ફેરફારો કરવાનું શરો કર્યું. અન્નાહાર વિષેના અંગ્રેજી પુસ્તકોમાં મેં જોયું કે લેખકોએ બહુ સૂક્ષ્મ વિચારો કરેલા. અનાહારને