આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રચ્યાં હતાં. પણ પહેલા વાક્યથી આગળ ચાલી જ ન શક્યો. ઍડીસન વિષે વાંચતાં તેની શરમાળ પ્રકૃતિને વિષે વાંચેલું. આમની સભાના તેના પહેલા ભાષણને વિષે એમ કહેવાય છે કે, તેણે 'હું ધારું છું,' 'હું ધારું છું,' 'હું ધારું છું,' એમ ત્રણ વાર કહ્યું, પણ પછી તે આગળ ન વધી શક્યો. અંગ્રેજી શબ્દ જેનો અર્થ 'ધારવું' છે તેનો અર્થ 'ગર્ભ ધારણ કરવો' પણ છે. તેથી જ્યારે ઍડીસન આગળ ન ચાલી શક્યો ત્યારે આમની સભામાંથી એક મશ્કરો સભ્ય બોલી ઊઠ્યો કે, 'આ ગૃહસ્થે ત્રણ વાર ગર્ભ ધારણ કર્યો, પણ કંઈ ઉત્પન્ન તો ન જ કરી શક્યા!' આ કહાણી મેં વિચારી રાખી હતી અને ટૂંકું વિનોદી ભાષણ કરવા ધાર્યું હતું. તેથી મેં મારા ભાષણનો આરંભ આ કહાણીથી કર્યો, પણ ત્યાં જ અટક્યો. વિચારેલું બધું વીસરાઈ ગયું ને વિનોદ તથા રહસ્યયુક્ત ભાષણ કરવા જતાં હું પોતે વિનોદનું પાત્ર બન્યો. 'ગૃહસ્થો, તમે મારું આમંત્રણ સ્વીકાર્યું તેને સારુ મારા આભાર માનું છું,' એમ કહીને મારે બેસી જવું પડ્યું!

આ શરમ છેક દક્ષિણ આફ્રિકામાં છૂટી એમ કહેવાય. તદ્દન છૂટી છે એમ તો હજુયે ન કહેવાય. બોલતાં વિચાર તો થાય જ. નવા સમાજમાં બોલતાં સંકોચાઉં. બોલવામાં છટકાય તો જરૂર છટકી જાઉં. અને મંડળમાં બેઠો હોઉં તો ખાસ વાત કરી જ ન શકું અથવા વાત કરવાની ઈચ્છા થાય એવું તો આજે પણ નથી જ.

પણ આવી શરમાળ પ્રકૃતિથી મારી ફજેતી થવા ઉપરાંત મને નુક્સાન થયું નથી. ફાયદો થયો છે, એમ હવે જોઇ શકું છું. બોલવાનો સંકોચ મને પ્રથમ દુ:ખકર હતો તે હવે સુખકર છે. મોટો ફાયદો તો એ થયો કે, હું શબ્દોની કરકસર શીખ્યો. માર વિચારો ઉપર કાબૂ મેળવવાની ટેવ સહેજે પડી. મને હું એવું પ્રમાણપત્ર સહેજે આપી શકું છું કે, મારી જીભ કે કલમમાંથી વિચાર્યા વિના કે માપ્યા વિના ભાગ્યે જ કોઇ શબ્દ નીકળે છે. મારાં ભાષણ કે લખાણમાંના કોઇ ભાગને સારુ મને શરમ કે પશ્ચાતાપ કરવાપણું છે એવું મને સ્મરણ નથી, અનેક ભયોમાંથી હું બચી ગયો છું, ને મારો ઘણો વખત બચી ગયો છે એ વળી અદકો લાભ.

અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે