આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારા કાનમાં વાગ્યાં જ કરે. ભગવદ્ગીતા અમૂલ્ય ગ્રંથ છે એમ મને તે વેળા ભાસ્યું. તે માન્યતા ઘીમે ધીમે વધતી ગઈ અને આજે તત્ત્વજ્ઞાનને સારુ તેને હું સર્વોત્તમ ગ્રંથ ગણું છું. મારા નિરાશાના સમયે તે ગ્રંથે મને અમૂલ્ય સહાય કરી છે. તેના અંગ્રેજી તરજુમા લગભગ બધા વાંચી ગયો છું. પણ એડવિન આર્નલ્ડનો અનુવાદ મને શ્રેષ્ઠ લાગે છે. મૂળ ગ્રંથના ભાવને જાળવ્યો છે, છતાં તે ગ્રંથના તરજૂમા જેવો નથી જણાતો. મેં ભગવદ્ગીતાનો આ વેળા અભ્યાસ કર્યો તો ન જ કહેવાય. તે મારા હંમેશના વાંચનનો ગ્રંથતો કેટલાંક વર્ષો પછી થયો.

આ જ ભાઇઓએ મને આર્નલ્ડનું બુદ્ધિચરિત્ર વાંચવા ભલામણ કરી. અત્યાર સુધી તો સર એડવિન આર્નલ્ડના ગીતાના અનુવાદની જ મને ખબર હતી. બુદ્ધિચરિત્ર મેં ભગવદ્ગીતા કરતાં પણ વધારે રસથી વાંચ્યું. પુસ્તક હાથમાં લીધા પછી તે પૂરું કર્યે જ છોડી શક્યો.

આ ભાઇઓ મને એક વખત બ્લૅવૅટ્સ્કી લૉજમાં પણ લઈ ગયા. ત્યાં મને મૅડમ બ્લૅવૅટ્સ્કીનાં દર્શન કરાવ્યાં ને મિસિસ બેસંટનાં. મિસિસ બેસંટ તે વખતે તાજાં જ થિયોસૉફિકલ સોસાયટીમાં દાખલ થયાં હતાં, એટલે તે વિષેની ચર્ચા અખબારોમાં ચાલતી તે હું રસપૂર્વક વાંચતો. આ ભાઇઓએ મને સોસાયટીમાં દાખલ થવા પણ સૂચવ્યું. મેં વિનયપૂર્વક ના પાડી ને કહ્યું, 'મારું ધર્મજ્ઞાન કંઇ જ નથી, તેથી હું કોઇ પણ પંથમાં ભળી જવા નથી ઇચ્છતો.' મને એવો ખ્યાલ છે કે તે જ ભાઇઓના કહેવાથી મેં મૅડમ બ્લૅવૅટ્સ્કીનું પુસ્તક 'કી ટુ થિયોસોફી' વાંચ્યું. તે ઉપરથી હિંદુ ધર્મનાં પુસ્તકો વાંચવાની ઇચ્છા થઈ અને હિંદુ ધર્મ વહેમોથી જ ભર્યો છે એવો અભિપ્રાય પાદરીઓના મુખેથી સાંભળતો તે મનમાંથી ગયો.

આ જ અરસામાં એક અન્નાહારી વસતિગૃહમાં મને માંચેસ્ટરના એક ભલા ખ્રિસ્તી મળ્યા. તેમણે મારી જોડે ખ્રિસ્તી ધર્મની વાત કાઢી. મેં તેમની પાસે મારું રાજકોટનું સ્મરણ વર્ણવ્યું. સાંભળીને તે દુઃખી થયા. તેમણે કહ્યું, 'હું પોતે અન્નાહારી છું. મદ્યપાન પણ નથી કરતો. ઘણા ખ્રિસ્તીઓ માંસાહાર કરે છે, મદ્યપાન કરે છે, એ સાચું પણ બેમાંથી એકે વસ્તુ લેવાની એ ધર્મમાં ફરજ નથી. તમે બાઇબલ વાંચો એવી ભલામણ કરું છું.' મેં એ સલાહ માની. બાઇબલ તેમણે જ ખરીદી આપ્યું. મને